પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

દેવાના બોજ હેઠળ દબાયેલી વોડાફોન આઇડિયાએ મંગળવાર (11 જાન્યુઆરી)એ જાહેરાત કરી હતી કે કંપનીના બોર્ડે તેની સોમવારે યોજાયેલી બેઠકમાં ટેલિકોમ સ્પેક્ટ્રમ સંબંધિત તમામ બાકી લેણાને ઇક્વિટી શેરમાં તબદિલ કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે. કંપનીના આ નિર્ણયથી ભારત સરકાર વોડાફોન આઇડિયામાં 35.8 ટકા ઇક્વિટી હિસ્સા સાથે સૌથી મોટી શેરહોલ્ડર બનશે.

વોડાફોન આઇડિયા યુકેની કંપની વોડાફોન પીએલસી અને ભારતના આદિત્ય બિરલાા ગ્રૂપ વચ્ચેનું સંયુક્ત સાહસ છે. બાકી લેણાને ઇક્વિટીમાં કન્વર્ટ કરવામાં આવ્યા બાદ વોડાફોન ગ્રૂપ પાસે 28.5 ટકા અને આદિત્ય બિરલા ગ્રૂપ પાસે 17.9 ટકા હિસ્સો રહેશે, એમ ટેલિકોમ કંપનીએ શેરબજારોને નિયમનકારી માહિતી આપી હતી.

કંપનીના બોર્ડે જણાવ્યું હતું કે સ્પેક્ટ્રમની હરાજીના હપતાનું વ્યાજ તથા એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુને ઇક્વિટીમાં રૂપાંતરિત કરવામાં આવશે. એટલે કે કેન્દ્ર સરકાર હવે વોડાફોન આઇડિયાની સૌથી મોટી શેરહોલ્ડર બની છે.
વોડાફોન આઇડિયાએ એક પ્રેસ રિલિઝમાં જણાવ્યું કે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર કંપનીના કુલ આઉટસ્ટેન્ડિંગ શેરમાં લગભગ 35.8 ટકા હિસ્સો ધરાવશે.

આ જાહેરાતને પગલે મંગળવારે વોડાફોન આઇડિયાના શેરમાં ઇન્ટ્રા-ડે કડાકો બોલાયો હતો. વોડાફોને જણાવ્યું કે, કંપનીના શ્રેષ્ઠ અંદાજ પ્રમાણે આ વ્યાજનું નેટ પ્રેઝન્ટ વેલ્યુ (એનપીવી) લગભગ રૂ. 16,000 કરોડ રહેવાની શક્યતા છે, જે ડીઓટી દ્વારા કન્ફર્મેશનને આધિન છે. 14.08.21ના રોજ કંપનીના શેરનો સરેરાશ ભાવ પાર વેલ્યૂ કરતા નીચો હતો, તેથી સરકારને રૂ. 10 પ્રતિ શેરના ભાવે ઇક્વિટી શેર ઇશ્યૂ કરવામાં આવશે, જે ડીઓટીની અંતિમ પુષ્ટિને આધિન છે.

વોડાફોન ઘણા સમયથી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થાય છે અને તેના ગ્રાહકો વોડાફોન છોડીને હરીફ કંપનીઓમાં જઈ રહ્યા છે. ખાસ કરીને 2016માં રિલાયન્સ જિયોએ પ્રાઈસ વોરની શરૂઆત કરી અને મોટો બજાર હિસ્સો મેળવી લીધો ત્યારેથી વોડાફોન માટે સંકટની સ્થિતિ છે.