યુક્રેનનના પ્રેસિડન્ટ વોલોડિમિર ઝેલેન્સ્કી (Photo by Ronald Wittek - Pool/Getty Images)

રશિયાના આક્રમણ સામે છેલ્લાં 108 દિવસથી ઝીંક ઝીલી રહેલા યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડિમિર ઝેલેન્સ્કીએ રવિવારે જણાવ્યું હતું કે આ યુદ્ધ કેટલું લાંબુ ચાલશે તે કોઇ જાણતું નથી, પરંતુ યુક્રેનના લશ્કરી દળો પૂર્વ યુક્રેનમાં રશિયાની આર્મીને જોરદાર લડત આપીને તમામ ધારણાઓને ખોટી પાડી રહ્યાં છે.

વીડિયો સંબોધનમાં ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે ડોનબાસ પ્રાંતમાં રશિયાના દળોની આગેકૂચને અટકાવી રહેલા યુક્રેનના લશ્કરી દળોનો તેમને ગર્વ છે. આ વિસ્તાર રશિયાની સરહદ નજીક આવેલો છે અને ત્યાંના બળવાખોરો પણ રશિયાને સાથ આપી રહ્યાં છે.

તેમણે જણાવ્યું હતું કે યાદ કરો કે રશિયા મેના પ્રારંભમાં આશા રાખતું હતું કે તે સમગ્ર ડોનબાસ પ્રાંત પર કબજો લઈ લેશે. હવે યુદ્ધને 108 દિવસ થઈ ગયા છે અને જૂન આવ્યો છે, પરંતુ હજુ ડોનબાસ સુરક્ષિત છે. યુદ્ધના પ્રારંભમાં યુક્રેનની રાજધાની કીવ પર કબજો કરવામાં નિષ્ફળ રહ્યાં બાદ રશિયાએ તેની ભાષા બોલતા ડોનબાસ અને યુક્રેનના દક્ષિણ દરિયાકાંઠાના વિસ્તારો પર લડાઈ કેન્દ્રીત કરી હતી. પરંતુ આ વિસ્તારો હજુ પણ યુક્રેનના અંકુશ હેઠળ છે.
રશિયાને હજુ પણ યુક્રેન પર ઝડપથી અને નિર્ણાયક રીતે અંકુશ મળ્યો નથી. યુક્રેનના જોરદાર પ્રતિકારને કારણે રશિયા દળોને લાંબા અને કપરા યુદ્ધની ફરજ પડી રહી છે. પશ્ચિમ દેશોએ યુક્રેનને લશ્કરી સહાય આપતા આ યુદ્ધની તમામ અપેક્ષાઓ ઉંધી પડી છે.

ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે યુદ્ધનો અંત દેખાતો નથી, પરંતુ યુક્રેન તેના તમામ પ્રયાસો કરશે, જેથી રશિયાને તેના તમામ પગલાંનો પસ્તાવો થાય તથા રશિયાએ આ સુંદર દેશ પરના પ્રત્યેક હુમલા અને દરેક મોતનો જવાબ આપવો પડશે.