પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

હૃદય સંબંધિત બિમારીઓ માટે સ્ત્રીઓમાં નિદાન અને સારવાર પુરુષોની તુલનાએ મોડું થાય છે અને તેનાથી પુરુષો કરતાં સ્ત્રીઓ હૃદય રોગના વધુ ખરાબ પરિણામો ભોગવે છે. વધુમાં યુવાન મહિલાઓમાં હાર્ટ એટેકના દરમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, એમ ભારત સહિત 50 દેશોના પંદર અભ્યાસોના તારણોમાં જણાવાયું છે.

સંશોધકોએ નોંધ્યું હતું કે મહિલાઓમાં ઉલટી, જડબામાં દુખાવો અને પેટનો દુખાવો જેવા વધારાના લક્ષણો જોવા મળે છે. મહિલામાં છાતીનો દુઃખાવો પણ બિનપરંપરાગત લક્ષણ છે. જો આ લક્ષણો ડોકટરો અથવા દર્દીઓના ધ્યાન બહાર રહી જાય તો તો નિદાન અને સારવારમાં વિલંબ થાય છે.

અમેરિકાની મેસેચ્યુસેટ્સ લોવેલ યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર મહદી ઓ ગેરેલનાબીએ જણાવ્યું હતું કે અમને કાર્ડિયોવેસ્ક્યુલર રોગના નિદાન, તેની સારવાર અને લક્ષણોમાં પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે મોટો તફાવતો જોવા મળ્યો છે. સામાન્ય રીતે રોગના લક્ષણો દેખાય પછી પુરુષોની તુલનાએ સ્ત્રીઓ મોડી હોસ્પિટલમાં જતી હોય છે. વધુમાં ડોક્ટર્સે જે દરે પુરુષોને હોસ્પિટલમાં દાખલ છે તે દરે મહિલાઓને દાખલ કરતાં હોતાં નથી.

આર્ટેરિયોસ્ક્લેરોસિસ, થ્રોમ્બોસિસ અને વેસ્ક્યુલર બાયોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલું વિશ્લેષણ એ પણ સંકેત આપે છે કે યુવાન સ્ત્રીઓમાં હાર્ટ એટેકનો દર વધી રહ્યો છે. અભ્યાસ દર્શાવે છે કે 1995 અને 2014 વચ્ચે 35 થી 54 વર્ષની વયની મહિલાઓમાં હાર્ટ એટેકનો દરે 21 ટકાથી વધીને 31 ટકા થયો હતો. આ જ સમયગાળા દરમિયાન પુરૂષોમાં હાર્ટ એટેકના દરમાં થોડો વધારો થયો હતો, જે 30 ટકાથી વધુને 33 ટકા થયો હતો. યુવાન સ્ત્રીઓમાં હાર્ટ એટેકનો દર વધી રહ્યો છે તે ચિંતાજનક છે.

તેમણે જણાવ્યુ હતું કે મહિલાઓમાં હૃદય સંબંધિત રોગ લાવતા કોમન જોખમી પરિબળોમાં અકાળ મેનોપોઝ, એન્ડોમેટ્રિઓસિસ અને હાયપરટેન્શન ડિસઓર્ડરનો સમાવેશ થાય છે. આ તારણો બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ભારત, અરેબિયન ગલ્ફ દેશો અને યુએસ સહિત 50 દેશોના પંદર અભ્યાસોના તારણો પર આધારિત છે. આ અભ્યાસમાં 23 લાખ લોકોને આવરી લેવાયા હતા.

LEAVE A REPLY

three + 7 =