મિહ્રિકન મુસ્તફા (ઉ.વ.38) અને હેનરીટ સ્ઝુક્સ (ઉ.વ.34)ની હત્યા કરી તેમના શબને ફ્રીઝરમાં છુપાવનાર હત્યારા જાહિદ યુનિસ

ઇસ્ટ લંડનમાં બે મહિલાઓ મિહ્રિકન મુસ્તફા (ઉ.વ.38) અને હેનરીટ સ્ઝુક્સ (ઉ.વ.34)ની હત્યા કરી તેમના શબને ફ્રીઝરમાં છુપાવનાર હત્યારા જાહિદ યુનિસ (ઉ.વ. 36)ને આજીવન કેદની સજા કરવામાં આવી છે.

ઇસ્ટ લંડનના ન્યુહામમાં રહેતો જાહિદ પીડિતોને લાલચ આપીને પોતાના ફ્લેટમાં બોલાવતો હતો. તેણે હેનરીટને 2016 માં અને તેના બે વર્ષ પછી ત્રણ બાળકોની માતા મિહ્રિકન “જાન” મુસ્તફાનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

યુનિસ ગુમ હોવાની ફરિયાદ બાદ કરાયેલી તપાસમાં પોલીસને ગત વર્ષે એપ્રિલમાં દાદર નીચે એક કબાટમાં પેડલોક લગાવાયેલા ચેસ્ટ ફ્રીઝરમાંથી બન્નેના મૃતદેહો મળી આવ્યા હતા.

સધર્ક ક્રાઉન કોર્ટના જસ્ટીસ શ્રીમતી ચીમા-ગ્રુબે યુનિસને ઓછામાં ઓછી 38 વર્ષની આજીવન જેલની સજા કરી હતી. તેણે તેની લીગલ ટીમને બે વખત હટાવી હતી અને કોર્ટમાં સજા માટે હાજર થવાનો ઇનકાર કર્યો હતો.

યુનિસ 20 વર્ષનો હતો ત્યારે ઇસ્લામિક સમારોહમાં 14 વર્ષની બાળકી સાથે લગ્ન કરી તેને 15 વર્ષની ઉંમરે ગર્ભવતી કર્યા બાદ તેને ચાઇલ્ડ સેક્સ એબ્યુઝ બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જેલમાંથી છૂટ્યા પછી તેણે 2007માં એક 17 વર્ષની કિશોરી સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું. જે બદલ તેને ચાર વર્ષ અને 11 મહિના માટે જેલમાં નાંખવામાં આવ્યો હતો. તે પછી તેણે હંગેરીયન નાગરિક શ્રીમતી સ્ઝુક્સને ફસાવી હતી અને તેનો દુરુપયોગ કર્યો હતો. પોલીસને હેનરીટ સ્ઝુક્સે લખેલી ચિઠ્ઠીઓ મળી હતી જેમાં તેણે પારાવાર પસ્તાવો વ્યક્ત કર્યો હતો.

ચુકાદો વાંચવામાં આવ્યો ત્યારે પણ તેણે કોઈ લાગણી દર્શાવી ન હતી.