કેડિલા હેલ્થકેર ગ્રુપની ઝાયડસે જણાવ્યું છે કે તેણે સ્થાનિક સ્તરે કોવિડ 19ની વેક્સીન વિકસાવી છે અને તેના પ્રી ક્લિનિકલ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. ઝાયડસે વધુમાં જણાવ્યું કે તેને ભારતીય દવા ઉત્પાદન નિયમનકાર દ્વારા માનવ પરીક્ષણ કરવા માટેની મંજૂરી પણ મળી ગઈ છે. ઝાયડસે આપેલી માહિતી મુજબ કંપનીએ ક્લિનિકલ ગુડ મેનેયુફેક્ચરિંગ પ્રેક્ટિસ (જીએમપી)નું ઉત્પાદન કરી લીધું છે અને જુલાઈમાં ક્લિનિકલ ટ્રાયલ્સનો પ્રારંભ કરશે.

કંપની ભારતના જુદા જુદા ભાગમાં અંદાજે 1,000 સબ્જેક્ટ્સ ઉપર રસીનું પરીક્ષણ હાથ ધરશે. ઝાયડસ દ્વારા અમદાવાદ ખાતેના વેક્સીન ટેક્નોલોજી સેન્ટરમાં વિકસાવવામાં આવેલી રસી ઝાયકોવ-ડીને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીજીસીઆઈ) અને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસઓ) તરફથી ભારતમાં હ્યુમન ટ્રાયલ્સના પ્રથમ અને બીજા ફેઝની મંજૂરી મળી ગઈ છે.

આ રસીનું પ્રાણીઓ પર કરાયેલા પરીક્ષણમાં તે મજબૂત રોગપ્રતિકારક હોવાનું પુરવાર થયું હતું. કંપનીના મતે તેમણે ઉંદર, ગીની પીગ તેમજ સસલા જેવા પ્રાણીઓ પર પરીક્ષણ કર્યું હતું. રસીની મદદથી ઉત્પન થતી એન્ટીબોડી દ્વારા સૌથી ઘાતક વાયરસને પણ તે નબળો પાડવામાં સક્ષમ હોવાનું જણાયું હતું. વારંવાર આ રસી લેવાથી પણ તેની કોઈ આડઅસર નહીં થતી હોવાનું કંપનીએ ચકાસ્યું હતું. સસલાં પર કરાયેલા પરીક્ષણમાં માનવને આપી શકાય તેવા ત્રણ ડોઝ અપાયા હતા જેના આધારે આ દવા સલામત, સુરક્ષિત અને સારી રીતે રોગપ્રતિકારક હોવાનું પુરવાર થયું હતું.

ઝાયકોવ-ડી દ્વારા કંપનીએ ડીએનએ વેક્સીન પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. કંપનીએ જીનને લઈને નોન રિપ્લિકેટિંગ અને નોન-ઈન્ટિગ્રેટિંગ પ્લાસમિડની મદદથી આ રસી તૈયાર કરી છે જે સલાતમ છે તેમ કંપનીએ જણાવ્યું હતું. કંપની તેના વિવિધ પ્લાન્ટ્સમાં ઉત્પાદન વધારી તેના સફળ પરીક્ષણ બાદ જરૂરી મંજૂરીને આધિન ભારતીય બજાર અને વૈશ્વિક બજારમાં માંગને પુરી પાડવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.