ભારતના ચૂંટણીપંચે માન્યતા રદ કરી છે તેવા રાજકીય પક્ષો દ્વારા કરચોરી અને તેમના કથિત શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની તપાસના ભાગરૂપે આવકવેરા વિભાગે બુધવારે ગુજરાત, દિલ્હી, યુપી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોના ઓછામાં ઓછા 110 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ રાજકીય પાર્ટીઓ રજિસ્ટ્રેશન ધરાવે છે અને ચૂંટણીફંડ પણ એકઠું કરે છે, પરંતુ તેમની માન્યતા રદ થયેલી છે. આવકવેરા વિભાગે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા અને બીજા કેટલાંક રાજ્યોમાં પણ પોલીસની હાજરી સાથે સર્ચ કાર્યવાહી હાથ ધરી હતી.સત્તાવાર ડેટા મુજબ ભારતમાં આશરે 2,800 રજિસ્ટ્રર્ડ બિનમાન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષો છે.આ પક્ષોને આઇટી ધારાની વિવિધ જોગવાઈ મુજબ ટેક્સમાફી સહિતના લાભો પણ મળે છે.

આઇટી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આવા રાજકીય પક્ષોના આવક અને ખર્ચના સ્રોતની તપાસ કરવા માટે આઇટી વિભાગે સંકલિત કાર્યવાહી કરી છે. ગેરકાયદેસર માધ્યમો મારફત રાજકીય ફંડિંગની પણ તપાસ થઈ રહી છે. ચૂંટણીપંચની તાજેતરની ભલામણ પછી આઇટી વિભાગે આ સરપ્રાઇઝ કાર્યવાહી હાથ ધરી હોવાનું માનવામાં આવે છે. ચૂંટણીપંચે તાજેતરમાં રજિસ્ટર્ડ ગેરમાન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષો (RUPP)ની યાદીમાંથી ઓછામાં ઓછા 198 પક્ષોને દૂર કર્યા હતા. કારણ કે રૂબરુ વેરિફિકેશન દરમિયાન તેમનું કોઇ અસ્તિત્વ જોવા મળ્યું ન હતું.

ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે તે RUPP તરીકે વર્ગીકૃત બીજા 2,100 પક્ષો સામે પગલાં લેશે. આ પાર્ટીઓએ નિયમો અને ચૂંટણી કાયદાનો ભંગ કર્યો છે. નાણાકીય યોગદાનની વિગતો આપવી, એડ્રેસ અપડેટ કરવામાં અને હોદ્દેદારાનો નામ આપવામાં નિષ્ફળતા જેવા નિયમ ભંગ જોવા મળ્યા છે. આમાંથી કેટલીક પાર્ટીઓ ગંભીર નાણાકીય ગેરરીતિમાં સંડોવાયેલી છે. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓએ માહિતી આપી હતી કે આવી પાર્ટીઓ અસ્તિત્વ ધરાવતી નથી અથવા એડ્રેસ અને કમ્યુનિકેશનની વિગતો વેરિફાઈ કરવા માટે લખવામાં આવેલા પત્રો પરત આવ્યા છે. રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓની આ માહિતીને આધારે ચૂંટણીપંચે આ પગલાં લીધા હતા. ચૂંટણીપંચે એકસમાન ચૂંટણી પ્રતિકની ફાળવણી સહિતના ચૂંટણીપ્રતિક આદેશ (1968) હેઠળના વિવિધ લાભો પાછા ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે.

જૂનમાં જારી કરેલા નિવેદનમાં ચૂંટણીપંચે જણાવ્યું હતું કે આ નિર્ણયથી અસંતુષ્ટ હોય તેવી પાર્ટીઓ અસ્તિત્વના પુરાવા, વાર્ષિક ઓડિટેડ હિસાબો, યોગદાન રીપોર્ટ, ખર્ચ રીપોર્ટ અને હોદ્દેદારોના નામના પુરાવા સાથે 30 દિવસમાં સંબંધિત ચૂંટણી અધિકારીનો સંપર્ક કરી શકે છે. ચૂંટણીપંચના સૂત્રોના જણાવ્યા અનુસાર આવી પાર્ટીઓએ ફંડ અને ડોનેશનના નિયમોનો ભંગ કર્યો હોવાની ચોક્કસ વિગતો મળી હતી. તેથી ચૂંટણીપંચે ગંભીર નાણાકીય ગેરરીતિમાં સંડોવાયેલી પાર્ટીઓ સામે જરૂરી કાનૂની અને ક્રિમિનલ પગલાં લેવા નાણામંત્રાલય હેઠળના મહેસૂલ વિભાગને રેફરન્સ મોકલ્યો હતો. આ પછી મહેસૂલ વિભાગે આ રીપોર્ટ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ(CBDT)ને મોકલ્યો હતો. હવે આઇટી વિભાગો સર્ચ કાર્યવાહી હાથ ધરી છે.

ચૂંટણી પંચ આ પાર્ટીઓનું રજિસ્ટ્રેશન રદ કરવાની છૂટ આપવા સરકારને રજૂઆત કરી રહ્યું છે. ઘણા પ્રસંગોએ ચૂંટણીપંચે કાયદા મંત્રાલયને લેખિતમાં રજૂઆત કરી છે કે ચૂંટણી કાયદામાં સુધારો કરવામા આવે જેથી તેને પાર્ટીઓનું રજિસ્ટ્રેશન રદ કરવાની સત્તા મળે. તેનાથી નાણાકીય અને બીજી ગેરરીતિઓને પણ ડામી શકાશે. સૂત્રોએ જણાવ્યું હતું કે આવી રાજકીય પાર્ટીઓ તેમના ઓડિટ અને યોગદાન રીપોર્ટ આપ્યા વગર ટેક્સ રાહતના લાભ મેળવે છે.

જાણીતી થીન્ક ટેન્ક સેન્ટર ફોર પોલિસી રિસર્ચ પર આઇટી કાર્યવાહી

આવકવેરા વિભાગે દિલ્હી સ્થિત જાણીતી થીન્ક ટેન્ક સેન્ટર ફોર પોલિસી રિસર્ચ (સીપીઆર)ની ઓફિસે પણ દરોડા પાડ્યા હતા. આ સેન્ટર પોતાને જાહેર નીતિ થિન્ક ટેક્સ તથા નોન પ્રોફિટ, બિનરાજકીય અને સ્વતંત્ર સંસ્થા તરીકે ઓળખાવે છે. આવકવેરા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે કરચોરીની વિશ્વસનીય માહિતીને આધારે આ કાર્યવાહી કરાઈ છે. દેશના વિવિધ રાજ્યોમાં બિનમાન્યતાપ્રાપ્ત પાર્ટીઓ સામેની કાર્યવાહી સાથે આને કોઇ કનેક્શન નથી. સીપીઆરની વેબસાઇટમાં જણાવાયું છે કે તે તે નોટ ફોર પ્રોફિટ સોસાયટીનું રજિસ્ટ્રેશન ધરાવે છે અને તેને આપવામાં આવેલા ફંડને ટેક્સમાફીનો લાભ મળે છે. સીપીઆર ઇન્ડિયન કાઉન્સિલ ફોર સોશિયલ સાયન્સ રિસર્ચ ((ICSSR) તથા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા માન્યતા ધરાવતી સંસ્થાઓ પાસેથી ફંડ મેળવે છે.

LEAVE A REPLY

two × three =