કોફ્રેશ સ્નેક્સ ફૂડ્સના સ્થાપક અને ચેરમેન દિનેશભાઈ પટેલનું તા. 8 એપ્રિલ 2023ને શનિવારે 81 વર્ષની વયે તેમના નજીકના પરિવારજનો અને ભાઈ-બહેનોથી ઘેરાયેલા ઘરમાં શાંતિપૂર્ણ રીતે નિધન થયું હતું. શ્રી નરોત્તમભાઈ અને લક્ષ્મીબેન પટેલના પુત્ર સ્વ. શ્રી દિનેશભાઈ પટેલ તેમની પાછળ પ ત્ની સવિતાબેન પટેલ, પુત્રો પ્રિયેશ અને મિનેશ, પુત્રવધૂ દિવ્યા અને દર્શના તથા 4 પૌત્રોને વિલાપ કરતા છોડી ગયા છે.

કેન્યાના થીકામાં 28મી જુલાઈ 1941ના રોજ જન્મેલા દિનેશભાઈએ તેમની ઉદ્યોગસાહસિક કારકિર્દીની શરૂઆત 1965માં નૈરોબી, કેન્યામાં શરૂ કરી હતી. શરૂઆતમાં તેઓ કોફ્રેશના બેનર હેઠળ સ્થાનિક સિનેમા અને દુકાનો માટે બટાકાની ક્રિપ્સ અને પોપકોર્ન બનાવીને વેચાણ કરતા હતા.

દિનેશભાઈ અને તેમના પત્ની સવિતાબેને યુકેમાં સ્થળાંતર કર્યા બાદ તેમની જીવનભરની બચતનું રોકાણ લેસ્ટરમાં ફીશ એન્ડ ચિપ્સની દુકાન ખરીદવામાં કર્યું હતું. તેઓ તે દુકાનની ઉપર રહેતા અને આખા ઘરને સ્વાદિષ્ટ ભારતીય નાસ્તાનું ઉત્પાદન શરૂ કરવા માટે હોમ બેઝ્ડ પ્રોડક્શન ફેસેલીટીમાં ફેરવી દીધું હતું. દંપતી પરંપરાગત રીતે હાથથી બનાવેલા મસાલેદાર સીંગદાણા અને લીલા વટાણા રીસ્ટોર્ડ કરાયેલા ફ્રાયરમાં બનાવતા અને નાના પાઉચમાં હાથથી જ પેક કરાતા. તે ટૂંક સમયમાં જ ગ્રાહકો અને છૂટક વિક્રેતાઓની મનપસંદ બન્યા હતા. સખત મહેનત અને વિકાસને પહોંચી વળવાની ક્ષમતાને કારણે દંપતીના ઓથેન્ટીક ભારતીય નાસ્તાના બિઝનેસનો વિકાસ થયો હતો. આ બે સરળ ઉત્પાદનો મલ્ટિ-મિલિયન-પાઉન્ડ બ્રાન્ડની શરૂઆત હતી જે આજનું કોફ્રેશ છે.

દિનેશભાઈ સાથે ટૂંક સમયમાં જ તેમના ભાઈઓ અને 1990ના દાયકાના અંતમાં તેમના પુત્રો બિઝનેસમાં જોડાયા હતા. નિવૃત્તિની ઉંમરને લાંબા સમય સુધી વટાવી દીધી હોવા છતાં, દિનેશભાઈએ કામકાજમાં ધીમા થવાના કોઈ ચિહ્નો દર્શાવ્યા ન હતા! 70 વર્ષની ઉંમરે, તેમણે પત્ની સવિતાબેન સાથે પ્રિય તિર્થધામ કૈલાસની યાત્રા કરી હતી. તો 73 વર્ષની ઉંમરે LOROS હોસ્પીસ માટે સ્કાયડાઇવ કર્યું હતું.

કોફ્રેશ સ્નેક્સ ફૂડ્ઝ લેસ્ટર સ્થિત કૌટુંબિક માલિકીનો બિઝનેસ હતો જે કુટુંબની માલિકી હેઠળ 50 વર્ષથી કાર્યરત હતો. કોફ્રેશ સમગ્ર લેસ્ટર અને નનીટનની સાઇટ્સમાં 250થી વધુ લોકોને રોજગારી આપતો હતો. કોફ્રેશ કંપનીનું વિસ્તરણ આશ્ચર્યજનક રહ્યું હતું અને નાસ્તાના રીજનલ બેઝ્ડ સપ્લાયરથી આંતરરાષ્ટ્રીય સ્તર સુધીની વિકાસયાત્રા ખૂબજ અદભૂત રહી છે. આજે કોફ્રેશ અને ઈટ રિયલ બ્રાન્ડની પ્રોડક્ટ્સની વૈશ્વિક સ્તરે 60થી વધુ દેશોમાં નિકાસ થાય છે.

કોફ્રેશ પ્રોડક્ટ્સે યુકેની નંબર 1 ભારતીય નાસ્તાની બ્રાન્ડ બનીને સમગ્ર દેશમાં લોકોના દિલ જીતી લીધા છે. તો ઇટ રીયલ એ યુકેની નંબર 1 હેલ્ધી ‘ફ્રી-ફ્રોમ’ બેગવાળી સ્નેક્સ બ્રાન્ડ બનીને ટૂંકા ગાળામાં જ પ્રશંસનીય ઊંચાઈએ પહોંચી છે. 2020માં આ સફળ બ્રાન્ડ્સ અને બિઝનેસને પ્રાઈવેટ ઈક્વિટી દ્વારા હસ્તગત કરવામાં આવ્યા હતા.

હમણાં સુધી દિનેશભાઈ ધંધામાં પ્રતિબદ્ધ રહ્યા હતા અને જુસ્સાપૂર્વક દરરોજ ફેક્ટરીની મુલાકાત લેતા. તેઓ નવેમ્બર 2022 સુધી પેકિંગ લાઈન્સમાં મદદ કરતા, ત્યાર બાદ તેમની તબિયત બગડવા લાગી હતી. સમગ્ર જીવન દરમિયાન, સમુદાય પ્રત્યેનું દિનેશભાઇનું સમર્પણ અને ખાસ કરીને LOROS હોસ્પીસમાં અસંખ્ય સખાવતી કારણો ક્યારેય ડગમગ્યા નહોતા. દિનેશભાઈ અને કોફ્રેશ દ્વારા ઘણી વખત કોઈ અપેક્ષા કે પ્રચાર વિના દાન અપાતું અથવા યોગ્ય કારણોને સમર્થન આપવામાં આવતું હતું.

પ્રાર્થના સભા અને ફ્યુનરલ

સ્વ. દિનેશભાઇના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના સભાનું આયોજન તા. 16 એપ્રિલ 2023, રવિવારના રોજ બપોરે 4થી સાંજના 7 સુધી રામગઢીયા હોલ, અલ્વર્સક્રોફ્ટ રોડ, લેસ્ટર, LE4 6BY ખાતે કરવામાં આવ્યું છે.

જ્યારે તેમની અંતિમ ક્રિયા તા. 17મી એપ્રિલ 2023, સોમવારના રોજ સવારે 9-30થી 11-30 દરમિયાન ગ્રેટ ગ્લેન ક્રિમેટોરિયમ, 9 લંડન રોડ, ગ્રેટ ગ્લેન, LE8 9DJ ખાતે સંપન્ન થશે.

દિનેશભાઇને શ્રધ્ધાંજલિ આપતા અગ્રણીઓ

  • બીબીસી રેડિયોના ડેપ્યુટી મેનેજિંગ એડિટર કમલેશ પુરોહિતે જણાવ્યું હતું કે ‘’કોફ્રેશ સ્નેક્સ ફૂડ્ઝના સ્થાપક અને સુંદર રટલેન્ડ હોલ હોટેલના માલિક શ્રી દિનેશભાઈ પટેલ કરતાં વધુ નમ્ર, ઉદાર અને દયાળુ માણસને હું ક્યારેય મળ્યો નથી. મને ગર્વ છે કે મારો પરિવાર 1970ના દાયકાની શરૂઆતમાં લઇને આજ સુધી તેમની સફળતાનો સાક્ષી રહ્યો છે. બ્રિટિશ એશિયન સમુદાય માટે તેઓ અદભૂત રોલ-મોડલ રહ્યા છે. તેમણે તે વારસો તેમના અદ્ભુત પુત્રો પ્રિયેશભાઈ અને મિનેશને આપ્યો છે. સમગ્ર રાષ્ટ્ર માટે આ એક મોટી ખોટ છે.
  • ઉદયભાઇ ધોળકિયાએ અંજલિ આપતાં જણાવ્યું હતું કે ‘’શ્રી દિનેશ ભાઈ પટેલના નિધનથી ખૂબ જ દુઃખ થયું. તેઓ સંપૂર્ણ નમ્ર માનવી, ગ્રાઉન્ડેડ ઉદ્યોગપતિ, સમજદાર કોન્સ્યુલ, ઉદાર અને પ્રેમાળ માણસ હતા. તેઓ મારા માટે એક મહાન માર્ગદર્શક અને આદરણીય વડીલ હતા. સમગ્ર પટેલ પરિવારને મારી નિષ્ઠાપૂર્વક અને હૃદયપૂર્વકની સંવેદનાઓ રજૂ કરૂ છું.
  • યતિન કોટકે આદરાંજલિ આપતા જણાવ્યું હતું કે ‘’વહાલા વડીલ પિતાજી – કાકા શ્રી દિનેશભાઈ પટેલના દુઃખદ અવસાનથી હું સુન્ન છું. તેઓ આપણા જીવનમાં એક વિશાળ છિદ્ર છોડી ગયા છે. એક અદ્ભુત સ્વપ્નદ્રષ્ટા નેતા તરીકે તેમણે ઘણી ભૂમિકાઓ ભજવી ઘણાના જીવનને પ્રભાવિત કર્યા હતા. તેઓ દરેકને એકસાથે લાવતા અને હંમેશા ફરક લાવવા માટે તેઓ પ્રયત્ન કરતાં. દિનેશ અંકલ, વિશ્વ તમારા વારસાને હંમેશા યાદ રાખશે.

LEAVE A REPLY

16 − 1 =