વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટ, 2025 રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે જશે. વડાપ્રધાનના પ્રવાસ કાર્યક્રમની વિગતો આપતા પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા માટે ₹.5477 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન 25મીએ અમદાવાદના નિકોલમાં ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે અને ત્રણ શહેરોને વિવિધ વિભાગો હેઠળ વિકાસકાર્યોની ભેટ આપશે. આ વિભાગોમાં રેલવે (₹1404 કરોડ), શહેરી વિકાસ (₹2548 કરોડ), એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ (₹1122 કરોડ), માર્ગ અને મકાન (₹307 કરોડ) અને રેવન્યૂ વિભાગ (₹96 કરોડ)નો સમાવેશ થાય છે.
