કેનેડાના ઇમિગ્રેશન અને રેફ્યુજી બોર્ડ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા ડેટા મુજબ, 2024ના વર્ષ કરતાં અને 2019 પછીના કોઈપણ વર્ષ કરતાં અમેરિકાના નાગરિકોએ 2025ના પ્રથમ છ મહિનામાં કેનેડામાં શરણાર્થી થવા માટે વધુ અરજી કરી હતી. કુલ અંદાજે 55,000 શરણાર્થી અરજીઓમાં તેમનો હિસ્સો 245થી ઓછો છે અને કેનેડા દ્વારા અમેરિકન શરણાર્થી અરજીઓની સ્વીકારવાનો દર ઐતિહાસિક રીતે ઓછો રહ્યો છે. અમેરિકાથી જમીન સરહદ પાર કરીને આવતા અન્ય દેશોના આશ્રય ઇચ્છિતોને દ્વિપક્ષીય કરાર હેઠળ એવા કારણ સાથે પરત મોકલવામાં આવે છે કે, તેમણે પહેલા ‘સલામત’ દેશમાં આશ્રય માટે અરજી કરવી જોઈએ. ગત વર્ષે, અમેરિકામાંથી 204 લોકોએ કેનેડામાં શરણાર્થી માટેની અરજી કરી હતી, જેમાં અમેરિકાને કથિત જુલમ કરનારા દેશ તરીકે દર્શાવ્યો હતો. ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન પણ અમેરિકાના નાગરિકોની આવી અરજીમાં વધારો જોવા મળ્યો હતો. જોકે, ડેટામાં એવું જણાવવામાં નથી આવ્યું કે, આવા દાવા શા માટે કરવામાં આવ્યા હતા. આઠ વકીલોએ ઇન્ટરનેશનલ સમાચાર એજન્સી-રોયટર્સને જણાવ્યું હતું કે, તેમને એવા વધુ ટ્રાન્સ અમેરિકનો મળ્યા હતા જેઓ દેશ છોડવા ઇચ્છે છે. રોયટર્સે એરિઝોનાની એક ટ્રાન્સ મહિલા સાથે આ અંગે વાત કરી હતી, જે એપ્રિલમાં અરજી કરવા માટે કેનેડા ગઇ હતી. જ્યારે અન્ય એક મહિલા તેની યુવાન ટ્રાન્સ દીકરી વતી અરજી કરવા કેનેડા પહોંચી હતી. આ સ્થિતિ અંગે યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સીક્યુરિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કેનેડામાં શરણાર્થી તરીકે જવાથી દેશમાં એવા લોકો માટે જગ્યા ઊભી થશે જેઓ ‘હકીકતમાં ડર અને જુલમનો સામનો કરી રહ્યા છે.’
