અમદાવાદના નાગરિકોને કાર્બાઈડ ફ્રી કેરી અને ખેડૂતોને તેમની કેરીના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર વર્ષ ૨૦૦૭થી દર વર્ષે ઉનાળાની સીઝનમાં ‘કેસર કેરી મહોત્સવ’નું આયોજન કરે છે. આ વર્ષે પણ અમદાવાદ હાટ ખાતે ૧૮મી મેથી ‘કેસર કેરી મહોત્સવ-૨૦૨૩’નો પ્રારંભ થયો હતો. આ વર્ષે અમદાવાદીઓએ ઓર્ગેનિક કેસર કેરી ખાવામાં કોઈ કસર છોડી નથી એમ કહી શકાય. ગત વર્ષે યોજાયેલા કેરી મહોત્સવમાં ખેડૂતો દ્વારા ૯૨ હજાર કિલોગ્રામ જેટલી કેરીનું વેચાણ થયું હતું, જેની સામે આ વર્ષે એક મહિનાના સમયગાળામાં ખેડૂતો દ્વારા ૨.૯૪ લાખ કિલોગ્રામથી પણ વધુ કેસર કેરીનું વેચાણ કરવામાં આવ્યું હતું.

ગુજરાતની કેસર કેરીએ આજે સમગ્ર વિશ્વમાં નામના મેળવી છે. વિદેશમાં પણ કેસર કેરીની માંગ વધતા ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં કેસર કેરીનું વાવેતર અને ઉત્પાદન બંનેમાં વધારો થઈ રહ્યો છે. કેસર કેરી પકવતા ખેડૂતો તેમની કાર્બાઈડ ફ્રી કેરીઓ સીધી શહેરી ગ્રાહકોને વેચી શકે તે માટે રાજ્ય સરકાર ‘કેસર કેરી મહોત્સવ’ જેવું એક માધ્યમ પૂરું પાડી ખેડૂતોને સહાયરૂપ થઇ રહી છે.

ખેડૂતોના ઉત્પાદનોની આયુ વધારવા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લી. દ્વારા રાજ્યના વિવિધ સ્થળોએ શીતાગારની સાથે સોર્ટીંગ, ગ્રેડીંગ, પેકીંગ અને રાઈપનીંગ, ઈ-રેડીએશન પ્રોસેસિંગ યુનિટ, ઈ‌ન્ટીગ્રેટેડ પેક હાઉસ તેમજ પેરીશેબલ કાર્ગો કોમ્પ્લેક્ષ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

LEAVE A REPLY

six + 20 =