કેન્સરની સારવારની સાથે એસ્પિરિન લેવાથી દર્દીઓના મૃત્યુના જોખમમાં 20 ટકાનો ઘટાડો થઈ શકે છે એમ કાર્ડિફ યુનિવર્સિટીના સંશોધનમાં બહાર આવ્યું છે. ઓવર-ધ-કાઉન્ટર મળતી આ પેઇનકિલર પ્રારંભિક ગાંઠની બહાર ફેલાતા કેન્સરના જોખમને પણ ઘટાડે છે.
તેમણે અગાઉ પ્રકાશિત થયેલા 118 અભ્યાસની વ્યવસ્થિત સમીક્ષા પ્રકાશિત કરી હતી. જેમાં 18 પ્રકારના કેન્સરવાળા દર્દીઓનો સમાવેશ થાય છે. પરિણામોને ચકાસતા જણાયું હતું કે જેમણે એસ્પિરિન લીધાની જાણ કરી હતી તેવા 250,000 દર્દીઓમાં કેન્સરથી મૃત્યુનું જોખમ આશરે 20 ટકા ઓછું હતું. તેમની સમીક્ષાએ તારણ કાઢ્યું હતું કે “અસરકારકતા અને એસ્પિરિનની સલામતી પરના મળી રહેલા પુરાવા કેન્સરની વિશાળ શ્રેણીમાં સહાયક સારવાર તરીકે તેના ઉપયોગને યોગ્ય ઠેરવે છે”.
મુખ્ય લેખક અને કાર્ડિફના માનદ પ્રોફેસર પ્રો. પીટર એલવુડે કહ્યું હતું કે ‘’મને અને મારી ટીમને કેન્સરને લગતી જૈવિક પદ્ધતિઓ પર એસ્પિરિનની ક્રિયાઓથી આંચકો લાગ્યો હતો, જે ઘણા જુદા જુદા કેન્સરને અસર કરે છે. અમારું સંશોધન સૂચવે છે કે એસ્પિરિન મૃત્યુનું જોખમ ઘટાડવા સાથે તેને શરીરની અંદર કેન્સરના ફેલાવાને પણ ઘટાડે છે. જો કે ભારપૂર્વક જણાવવું જોઇએ કે એસ્પિરિન એ અન્ય કોઈ સારવાર માટે શક્ય વિકલ્પ નથી.”













