Relatives in personal protective equipment unload the body of a man, who died due to the coronavirus disease (COVID-19), from an ambulance for his cremation in Ahmedabad, India, March 30, 2021. REUTERS/Amit Dave

ગુજરાતમાં કોરાનાએ હાકાકાર મચાવ્યો છે. રાજ્યમાં શુક્રવારે વિક્રમજનક 4,541 નવા કેસ નોંધાયા હતા અને 42 દર્દીના મોત થયા હતા. નવા કેસ સામે રાજ્યમાં 2,280 લોકો કોરોનાથી રિકવર થયા હતા. અમદાવાદમાં કોરોના નવા 1296 કેસ નોંધાયા હતા. સુરતમાં 891 કેસ સામે આવ્યા છે. સુરત કોર્પોરેશનમાં 14, અમદાવાદ કોર્પોરેશનમાં 12, વડોદરા કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 3 એમ કુલ 42 લોકોનાં મોત નિપજ્યાં હતા.

રાજ્યના આરોગ્ય મંત્રાલયે શુક્રવારે સાંજે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે છેલ્લાં 24 કલાકમાં 4,541 કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે આ જ સમયગાળા દરમિયાન વધુ 42 લોકોના મોત થયાં છે. તેની સાથે જ કુલ મૃત્યુઆંક 4,697એ પહોંચ્યો છે. આજનો મૃત્યુઆંક કોરોના મહામારી શરુ થઇ ત્યારથી સૌથી વધારે છે. આ આંકડાઓ તો સરકારી છે. વાસ્તવિકતા અલગ લાગે છે.

છેલ્લાં 24 કલાકમાં 2,280 લોકો કોરોનાને મહાત આપીને સાજા થયા છે. જેની સાથે જ અત્યાર સુધી 3,09,626 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યારે રિકવરી રેટ દર 91.87 ટકાએ પહોંચ્યો છે. એક તરફ કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે, તો બીજી તરફ રિકવરી રટમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની વાત કરીએ તો કુલ 22,692 એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી 187 લોકો વેન્ટિલેટર પર છે અને 22,505 લોકો સ્ટેબલ છે. 3,09,626 લોકો ડિસ્ચાર્જ થઇ ચૂક્યાં છે. કુલ 4,697 લોકોનાં મોત નિપજ્યાં છે.