ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી કોરોનાના કેસોમાં વધારાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. રવિવારે સતત ત્રીજા દિવસેથી 500થી વધુ કેસ નોંધાયા હતા. સરકારે રવિવારે સાંજે જાહેર કરેલા ડેટા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૭૫ નવા કેસ નોંધાયા હતા અને એક વ્યક્તિનું અમદાવાદમાં મૃત્યુ થયું હતું. આમ, રાજ્યમાં પ્રતિ કલાકે સરેરાશ ૨૪ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ હતી. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંક ૨,૭૩,૩૮૬ થયો હતો અને કુલ મરણાંક ૪,૪૧૫ થયો હતો. અત્યારસુધી કુલ ૨,૬૫,૮૩૧ દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ ૯૭.૨૪% રહ્યો હતો.

રાજ્યમાં રવિવાર સાંજ સુધીમાં ૩,૧૪૦ એક્ટિવ કેસ હતા અને ૪૬ દર્દી વેન્ટિલેટર પર હતા. માર્ચ મહિનાના પ્રથમ ૭ દિવસમાં જ કોરોનાના ૩,૦૭૦ કેસ નોંધાયા હતા. અમદાવાદ અને સુરત જિલ્લામાં કોરોનાના ૧૦૦થી વધુ દૈનિક કેસ નોંધાયા હતા. જેમાં સુરત શહેરમાં ૧૨૫-ગ્રામ્યમાં ૨૦ સાથે સૌથી વધુ ૧૪૫ કેસ નોંધાયા હતા, જ્યારે અમદાવાદ શહેરમાં ૧૨૭-ગ્રામ્યમાં ૪ સાથે ૧૩૧ નવા કેસ નોંધાયા હતા. વડોદરા શહેરમાં ૭૦-ગ્રામ્યમાં ૧૨ સાથે ૮૨, રાજકોટ શહેરમાં ૫૮-ગ્રામ્યમાં ૧૩ સાથે ૭૧ કેસ નોંધાયા હતા.

કોરોનાના કુલ કેસનો આંક અમદાવાદમાં ૬૩,૫૮૪-સુરતમાં ૫૪,૫૫૯-વડોદરામાં ૩૦,૫૭૨ અને રાજકોટમાં ૨૩,૭૯૨ થયો હતો. ભાવનગરમાં 16 અને આણંદમાં ૧૪, ગાંધીનગરમાં ૧૩ કેસ નોંધાયા હતા.