(ANI Photo)

ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિતના  ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UT)માં મતદાર યાદીના ખાસ સઘન સુધારના (SIR)ના બીજા તબક્કાની સોમવાર, 27 ઓક્ટોબરે જાહેરાત કરી હતી. બીજા તબક્કામાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળનો પણ સમાવેશ પણ થાય છે. ૧૨ રાજ્યોમાં SIR કવાયતમાં ૫૧ કરોડ મતદારોને લેવાશે. અને ગણતરી પ્રક્રિયા ૪ નવેમ્બરથી શરૂ થશે.

મતદાર યાદીમાં વિશેષ સુધારો થવાનો છે તેવા રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંદામાન અને નિકોબાર, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, લક્ષદ્વીપ, મધ્યપ્રદેશ, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ,પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સ્વતંત્રતા પછી નવમી આવી કવાયત છે, છેલ્લે આવી કવાયત 2002-04માં થઈ હતી.SIRનો પ્રથમ તબક્કો બિહારમાં શૂન્ય અપીલ સાથે પૂર્ણ થયો હતો. બીજો તબક્કો 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાથ ધરાશે. SIR ખાતરી કરશે કે કોઈ પણ લાયક મતદાર બાકી ન રહે અને કોઈ પણ અયોગ્ય મતદાર મતદાન યાદીમાં સામેલ ન થાય.

ચૂંટણી પંચે SIR રોલઆઉટ રોડમેપને મજબૂત બનાવવા માટે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEOs) સાથે બે પરિષદો યોજી છે. ઘણા CEOએ પહેલાથી જ તેમની વેબસાઇટ પર છેલ્લા SIR પછીની મતદાર યાદીઓ મૂકી દીધી છે.

SIRનો મુખ્ય ઉદ્દેશ્ય વિદેશી ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓના જન્મસ્થળની તપાસ કરીને તેમને દૂર કરવાનો છે. બાંગ્લાદેશ અને મ્યાનમારના ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ પર વિવિધ રાજ્યોમાં કાર્યવાહી બાદ આ પગલું મહત્વપૂર્ણ બની ગયું છે.

LEAVE A REPLY