(PTI Photo)

પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર ડિપ્રેશનને પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં રવિવારે સતત બીજા દિવસે હળવાથી ભારે કમોસમી વરસાદ નોંધાયો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD)એ 31 ઓક્ટોબર સુધી રાજ્યના મુખ્ય જિલ્લાઓમાં ભારે વરસાદની યલો અને ઓરેન્જ એલર્ટ જારી કર્યો હતો.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના 19 જિલ્લાના 71 તાલુકામાં 6.18 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદને પગલે ઊભા પાકને ભારે નુકસાન થયું હતું.

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના ડેટા મુજબ નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં સૌથી વધુ ૬.૧૮ ઇંચ, ત્યારબાદ વલસાડના ઉમ્બરગાંવ ૩.૬૬ ઇંચ અને ગીર સોમનાથના સુત્રાપાડા ૩.૫૪ ઇંચ વરસાદ પડ્યો હતો. સુરત, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાઓ સહિત અન્ય ઘણા વિસ્તારોમાં એક થી બે ઇંચ સુધીનો મધ્યમ વરસાદ પડ્યો હતો. જુનાગઢમાં ભારે પવન અને વાદળછાયા વાતાવરણને કારણે રોપ-વે સેવા બંધ કરાઈ હતી.

26મી ઓક્ટોબરે અમરેલી, ભાવનગર અને બોટાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતો ઓરેન્જ એલર્ટ જારી કરાયો હતો. અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ યલો એલર્ટ જારી કરાયો હતો.

હવામાન વિભાગે 27 ઓક્ટોબરે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી.

LEAVE A REPLY