સુપ્રીમ કોર્ટના આદેશનું સરેઆમ ઉલ્લંઘન કરી લોકોએ દિવાળીની મોડી રાત સુધી ફટાકડા ફોડ્યા પછી દિલ્હી સહિતના ઉત્તર ભારતના મોટા શહેરોમાં મંગળવાર, 21 ઓક્ટોબરની સવારે પ્રદૂષણ ભયાનક સ્તરે પહોંચ્યું હતું. મંગળવારે સવારે દિલ્હી વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર પણ બન્યું હતું અને કુલ 38માંથી 35 મોનિટરિંગ સ્ટેશનો ‘રેડ ઝોન’માં રહ્યાં હતાં.
સ્વિસ એર ક્વોલિટી કંપની IQAirની યાદી મુજબ દિલ્હી ટોચ પર રહ્યું હતું, જ્યારે મુંબઈ પાંચમા ક્રમે અને કોલકાતા આઠમા ક્રમે હતું પાકિસ્તાનના બે શહેરોનો ટોપ 10માં સમાવેશ થયો હતો. યાદીમાં લાહોર બીજા ક્રમે અને કરાચી ચોથા ક્રમે રહ્યું હતું. દિવાળી દરમિયાન સમગ્ર ભારતમાં ફટાકડા ફોડવામાં આવે છે ત્યારે ભારતીય શહેરોના ચિંતાજનક પ્રદૂષણના આ આંકડો જોવા મળ્યાં હતાં.
રાષ્ટ્રીય રાજધાનીમાં હવાનું પ્રદૂષણનું વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ નિર્ધારિત કરેલી મર્યાદા કરતા લગભગ 15 ગણું વધી ગયું હતું. સુપ્રીમ કોર્ટે રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ માત્ર ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી આપી હોવા થતાં તેના આદેશનું પાલન થયું ન હતું. દીપાવલી પહેલા માત્ર ગ્રીન ફટાકડા જ ઉપલબ્ધ કરવામાં આવ્યા હોવા થતાં ઝેરી ધુમાડો ફેલાવતા ફટાકડાનો પણ ઉપયોગ થયો હતો. મંગળવારે ભારે ધુમ્મસ છવાઈ ગયો હતો અને વિઝિબિલિટીમાં તીવ્ર ઘટાડો થયો હતો.
સ્વિસ એર ક્વોલિટી ટેકનોલોજી કંપની IQAiના 120થી વધુ શહેરોના પ્રદૂષણના ડેટા મુજબ મંગળવારે સવારે દિલ્હી વિશ્વનું સૌથી પ્રદૂષિત અગ્રણી શહેર બન્યું હતું. દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 429ના સૌથી ખરાબ સ્તરે પહોંચ્યો હતો. આની સામે બીજા ક્રમે રહેલા લાહોરનો એક્યુઆઇ ઇન્ડેક્સ 260 અને ચોથા ક્રમે રહેલા કરાચીનો 182 રહ્યો હતો.
રવિવાર, 19 ઓક્ટોબરે રાજધાનીના AQI 300ના સ્તરને વટાવી ગયા પછી ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના સ્ટેજ 2 નિયમો અમલી બન્યાં હતાં અને મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દિલ્હીના રહેવાસીઓને માત્ર સર્ટિફાઇડ ગ્રીન ફટાકડા ફોડીને જવાબદારીપૂર્વક દિવાળીની ઉજવણી કરવાની પણ અપીલ કરી હતી. જોકે આ અપીલને કોઇ અસર થઈ ન હતી અને મંગળવાર, એકંદર એર ક્વોલિટી ‘ખૂબ ખરાબ’ની કેટેગરીમાં આવી હતી.
