
ચૂંટણીઓ વર્ષો સુધી દૂર હોવા છતાં રિફોર્મની વધતી લોકપ્રિયતાથી ગભરાયેલા વડા પ્રધાન કેર સ્ટાર્મરે લિવરપૂલ ખાતે યોજાયેલ લેબર પાર્ટી કોન્ફરન્સમાં રીફોર્મ યુકેના વડા નાઇજેલ ફરાજને “સ્નેક-ઓઇલ સેલ્સમેન” ગણાવી કહ્યું હતું કે “ફરાજને બ્રિટન પસંદ નથી.” નેતૃત્વના સૌથી લડાયક ભાષણમાં સ્ટર્મરે ‘પતનના માર્ગ’ સામે ‘લડાઈ’ કરવાનું કહી દેશભક્તિ, નાણાકીય શિસ્ત અને સુધારા પર તેમની સરકારની વિશ્વસનીયતા દાવ પર લગાવી હતી.
તા. 30 સપ્ટેમ્બરના રોજ આપેલા પ્રવચનમાં સ્ટાર્મરે પોતાના પક્ષના પ્રતિનિધિઓને કહ્યું હતું કે ‘’ બ્રિટન હવે એક એવા ત્રિભેટે ઉભુ છે જ્યાં તેણે શિષ્ટતા અથવા વિભાજન; નવીકરણ અથવા પતન વચ્ચે નિર્ણાયક પસંદગી કરવાની છે. ફરાજને તમે છેલ્લી વાર ક્યારે બ્રિટન વિશે કંઈપણ સકારાત્મક કહેતા સાંભળ્યા હતા? તેઓ તેમ કરી શકતા નથી. તેમને બ્રિટન પસંદ નથી. તે ચૂંટાઈ આવવા માટે કંઈપણ કહેશે. શું શ્રી ફરાજ દેશને નિષ્ફળ બનાવવા માંગે છે, શું તેઓ આપણા દેશને પ્રેમ કરે છે? શું તેઓ આપણા દેશની સેવા કરવા માંગે છે, કે પછી તેઓ વિભાજનને ભડકાવવા માંગે છે?”
સર કેરે કહ્યું હતું કે ‘મને ફક્ત યુનિયન જેક અને સેન્ટ જ્યોર્જના ક્રોસ પર જ ગર્વ નથી, મને સાલ્ટાયર પર પણ ગર્વ છે, રેડ ડ્રેગન પર ગર્વ છે, આપણા યુનિયન પર પણ ગર્વ છે – ચાર મહાન રાષ્ટ્રો વચ્ચેનો સંબંધ છે. આપણા ચાર રાષ્ટ્રો વારંવાર આગમાંથી પસાર થયા છે, પણ સાથે મળીને, ઘણું બધું, સાથે મળીને બનાવ્યું છે. કામ કરતા લોકોની એકતા દ્વારા રચાયેલો દેશ છે. તો, ચાલો આપણા બધા ધ્વજ લહેરાવીએ, તે આપણા ધ્વજ છે. આપણે ક્યારેય શરણાગતિ આપીશું નહીં. આ આખા દેશને એકસાથે લાવવાનો સમય છે.’’
તેમણે કહ્યું હતું કે ‘’વાણી સ્વાતંત્ર્ય એ બ્રિટીશ મૂલ્ય છે અને આપણે સદીઓથી તેનું રક્ષણ કર્યું છે, પરંતુ જો તમે રેસીસ્ટ હિંસા અને નફરતને ઉશ્કેરો છો, તો તે ગુનાહિત છે. આ મહાન પક્ષ આપણા ધ્વજ પર ગર્વ અનુભવે છે, છતાં જો તે ગ્રેફિટી સાથે દોરવામાં આવે કે ચાઇનીઝ ટેકવે માલિકને જો ‘ઘરે જાઓ’ કહે છે, તો તે ગર્વ નથી – તે રેસીઝમ છે. લોકોની ત્વચાનો રંગ ગમે તે હોય પણ તેઓ બ્રિટીશ છે, પેઢીઓથી અહીં રહે છે, આપણી શાળાઓમાં, હોસ્પિટલોમાં કામ કરે છે, બિઝનેસીસ ચલાવે છે. જો તમે કહો કે તેમને હવે દેશનિકાલ કરવા જોઈએ, તો મારા શબ્દો યાદ રાખજો, અમે તેમની સાથે છીએ, તમારી સામે લડીશું કારણ કે તમે રાષ્ટ્રીય નવીકરણના દુશ્મન છો. હું એક એવું બ્રિટન ઇચ્છું છું જ્યાં લોકો સાથે ગૌરવપૂર્વક વર્તવ કરવામાં આવે. લેબર કામ કરતા લોકોની દેશભક્ત પાર્ટી છે.’’
લેબર નેતા સ્ટાર્મરે રિફોર્મ પર દેશને વિભાજીત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવી ચેતવણી આપી હતી કે, વર્ષોની બ્રેક્ઝિટ ઉથલપાથલ પછી, મતદારોએ એવા રાજકારણીઓનો પ્રતિકાર કરવો જોઈએ જેમણે “આ દેશ સાથે જૂઠું બોલ્યું હતું, અરાજકતા ફેલાવી હતી અને ચાલ્યા ગયા હતા.”
પોતાની સત્તાને મજબૂત બનાવવા માટે, સ્ટાર્મરે આજના પડકારની તુલના ક્લેમેન્ટ એટલીની 1945ની સરકાર સાથે કરતાં કહ્યું હતું કે બ્રિટને યુદ્ધ પછીના પુનર્નિર્માણ જેટલું જ નવીકરણ કરવું પડશે. માર્ગ લાંબો અને મુશ્કેલ છે, પરંતુ તેના અંતે એક ન્યાયી દેશ, ગૌરવ અને આદરની ભૂમિ છે.”
સ્ટાર્મરના 54 મિનિટના ભાષણનું હોલમાં તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
સ્ટાર્મરે 50 ટકા યુનિવર્સિટી લક્ષ્યનો અંત લાવવાની જાહેરાત કરી, તેને બદલે બે તૃતીયાંશ યુવાનો માટે ડિગ્રી અથવા “ગોલ્ડ-સ્ટાન્ડર્ડ એપ્રેન્ટિસશીપ”ની નવી મહત્વાકાંક્ષા જાહેર કરી હતી. તેમણે NHS ઓનલાઇન સેવાનું અનાવરણ કર્યું હતું જે 2027 સુધીના ત્રણ વર્ષમાં 8.5 મિલિયન સુધી વધારાની એપોઇન્ટમેન્ટ પૂરી પાડવા માટેની ડિજિટલ હોસ્પિટલ સેવા છે. દર્દીઓ NHS એપ્લિકેશન દ્વારા બુક કરાયેલ ફીડીકલ ટેસ્ટ્સ સાથે, પોતાના પ્રિસ્ક્રિપ્શન, રેફરલ્સ અને કન્સલ્ટેશનને દૂરથી ઍક્સેસ કરી શકશે.
સ્ટાર્મરે નાણાકીય જવાબદારી પ્રત્યે ફરીથી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી, ચેતવણી આપી હતી કે લેબર પાર્ટીએ £30 બિલિયનના બજેટ ગેપ છતાં કડક ખર્ચ નિયમોમાં રહેવું જોઈએ. તેમણે વેલ્ફેર અને ઇમિગ્રેશન પર વધુ નિયંત્રણનો સંકેત આપ્યો હતો.
ફરાજ પરના આક્રમક હુમલાએ તરત જ લેબર પાર્ટીની અંદર તણાવનો પર્દાફાશ થયો હતો. જેમાં લંડનના મેયર સાદિક ખાને રિફોર્મના ઇમિગ્રેશન અંગેના વલણને રેસીસ્ટ ગણાવવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે એજ્યુકેશન સેક્રેટરી બ્રિજેટ ફિલિપ્સને કહ્યું હતું કે ફરાજનું રેટરિક “રેસીઝમમાં ફેરવાઇ રહ્યું છે.” તો હોમ સેક્રેટરી શબાના મહમૂદે આગળ વધીને “ડોગ-વ્હિસલ પોલિટિક્સ” ગોઠવવા બદલ ફરાજને “રેસીસ્ટ કરતાં પણ ખરાબ” ગણાવ્યા હતા.
ફરાજે આ બાબતે વળતો પ્રહાર કરી સ્ટાર્મરના ભાષણને “સત્તાને વળગી રહેલા એક ભયાવહ માણસના રેટરિક” ગણાવીને ફગાવી દીધું હતું. જ્યારે રિફોર્મ અધિકારીઓએ ચેતવણી આપી કે લેબર પાર્ટીના રેટરિકથી તેના કાર્યકરો પ્રત્યે દુશ્મનાવટ ઉશ્કેરાવાનું જોખમ છે.
સ્ટાર્મરનું લિવરપૂલનું સંબોધન એક દુઃખદ મહિના પછી આવ્યું છે. જેમાં ડેપ્યુટી લીડર એન્જેલા રેનરે દબાણ હેઠળ રાજીનામું આપ્યું હતું અને એન્ડી બર્નહામના અલ્પજીવી નેતૃત્વના પ્રયાસો શરમજનક સ્થિતિમાં પડી ભાંગ્યા હતા. બીજી તરફ મતદાન દર્શાવે છે કે વડા પ્રધાન તરીકે સ્ટાર્મરના વ્યક્તિગત રેટિંગનો રેકોર્ડ નીચા સ્તરે ગયો છે અને રિફોર્મ અસંતુષ્ટ મતદારોમાં લોકપ્રિય થઇ રહ્યું છે.
- સ્ટાર્મરે સ્વીકાર્યું હતું કે કામ કરતા લોકો રાજકારણમાં ‘વિશ્વાસ ગુમાવી રહ્યા છે’.
- હિલ્સબરોના કેમ્પેઇનર માર્ગારેટ એસ્પિનલે સ્ટેજ પર સર કેરનો પરિચય કરાવી ‘પોતાનું વચન પાળવા’ બદલ પીએમની પ્રશંસા કરી હતી.
- સર કેરે ગાઝા માટે ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિના બ્લુપ્રિન્ટનું સ્વાગત કરી કહ્યું હતું કે ‘બધા પક્ષો’ એ હવે તેને અમલમાં મૂકવા માટે કામ કરવું જોઈએ. તેમણે ભાર મૂક્યો હતો કે યુકે હવે પેલેસ્ટિનિયન રાજ્યને માન્યતા આપે છે.
- એન્ડી બર્નહામ સર કેરે બોલવાનું શરૂ કરે તેની થોડી મિનિટ પહેલા જ સ્થળ છોડીને જતા જોવા મળ્યા હતા.
- હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટીંગે કહ્યું હતું કે ‘’હું ઇચ્છુ છું કે એન્જેલા રેનર રાજીનામું આપ્યાના થોડા અઠવાડિયામાં ફ્રન્ટલાઈન પર પાછા ફરે.
- રશેલ રીવ્સે બિઝનેસીસને કહ્યું છે કે તેઓ બજેટમાં આવનારા કરવેરા વધારાનો ભોગ બનશે નહીં.
- લેબર ડેપ્યુટી લીડરશીપ ઉમેદવાર લ્યુસી પોવેલે ચેતવણી આપી છે કે પાર્ટી ‘રિફોર્મના સુધારાને પાછળ છોડી’ શકશે નહીં.
