‘ઈસ્ટર્ન આઈ’ અને ‘ગરવી ગુજરાત’ના પ્રકાશક ‘એશિયન મીડિયા ગ્રુપ’ દ્વારા સેન્ટ્રલ લંડનની પ્રતિષ્ઠીત પાર્ક પ્લાઝા, રિવરબેંક ખાતે ગુરૂવારે તા. 25ના રોજ યોજાયેલા બીજા વાર્ષિક ‘ઈસ્ટર્ન આઈ પ્રોપર્ટી એવોર્ડ્સ’માં લંડનના પ્રભાવશાળી હોટેલિયર અને ઈન્ટિગ્રિટી ઈન્ટરનેશનલ ગ્રુપના સ્થાપક અને ચેરમેન ટોની મથારૂને સર્વોચ્ચ એવોર્ડ ‘પ્રોપર્ટી ડેવલપર ઓફ ધ યર’ એનાયત કરાયો હતો. આ સમારોહમાં વિવિધ ક્ષેત્રે સફળતા મેળવનાર 10 અગ્રણીઓને એવોર્ડ એનાયત કરાયા હતા.

સમિક્સના સહયોગથી યોજવામાં આવેલ સમારંભના મુખ્ય મહેમાન તરીકે પાર્લામેન્ટરી અંડર-સેક્રેટરી ઓફ સ્ટેટ એટ ધ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ, કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્નમેન્ટ બેરોનેસ ટેલર ઓફ સ્ટીવનેજ ઉપસ્થિત રહ્યા હતા.

ટોની મથારૂએ લંડનની કેટલીક સૌથી પ્રતિષ્ઠિત ઇમારતો હસ્તગત કરી છે, જેમાં ગિલ્ડહોલ નજીક એટલાસ હાઉસ, ટાવર હિલમાં ક્રેસન્ટ બિલ્ડીંગ્સ અને 55 બ્રોડવે અને અલ્બેની હાઉસનો સમાવેશ થાય છે. આ પ્રસંગે શ્રી મથારૂની બિઝનેસ સિદ્ધિઓ તેમજ સખાવત, રમતગમત અને સમુદાયીક જોડાણ માટે સરાહના કરવામાં આવી હતી.

બીજા વર્ષે યોજાયેલા પ્રોપર્ટી એવોર્ડ્સમાં પ્રોપર્ટી ઉદ્યોગના મુખ્ય ખેલાડીઓ – ડેવલપર્સ અને ફાઇનાન્સીયલ લેન્ડર્સથી લઈને ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અને ટેકનોલોજી ડિસપ્ટર્સ સુધીના અગ્રણીઓની સફળતાની ઉજવણી કરી સરાહના કરવામાં આવી હતી.

શ્રી ટોની માથારુએ એવોર્ડ સમારોહના સંચાલક નિહાલ અર્થનાયકે સાથે એક માસ્ટરક્લાસ ઇન્ટરવ્યુમાં પણ ભાગ લઇ યુકેના અર્થતંત્ર અને દેશમાં રિયલ એસ્ટેટ માટેની સંભાવનાઓ બાબતે ચર્ચા કરી હતી.

પાર્લામેન્ટરી અંડર-સેક્રેટરી ઓફ સ્ટેટ એટ ધ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ, કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્નમેન્ટ બેરોનેસ ટેલર ઓફ સ્ટીવનેજે પોતાના સંબોધનમાં પ્રોપર્ટી ક્ષેત્રના અગ્રણીઓની સરાહના કરતાં કહ્યું હતું કે ‘’તેમનું કાર્ય બ્રિટનના પુનઃનિર્માણમાં ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે. લેબર સરકાર આ સંસદમાં 1.5 મિલિયન ઘરોનું નિર્માણ કરવા પ્રતિબદ્ધ છે. હું આ લક્ષ્ય કેટલું પડકારજનક બનવાનું છે તેનો અંદાજ આપી શકતી નથી. જ્યાં સુધી આપણે હાઉસિંગ ઉદ્યોગ સાથે ભાગીદારીમાં કામ ન કરીએ, બિલ્ડરોથી લઈને પ્લાનર્સ, નાણાકીય સંસ્થાઓથી લઈને પ્રોપર્ટી એજન્ટો અને આર્કિટેક્ટ્સથી લઈને ઈન્ટિરિયર ડિઝાઇનર્સ સુધી, તમે બધા આ મિશનનો ભાગ છો, અને અમે તમારા વિના કાર્ય કરી શકતા નથી. બાંધકામ ક્ષેત્રના કામદારો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કૌશલ્યની તાલીમ માટે ભંડોળ પૂરું પાડવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. મને આશા છે કે તે મદદ કરશે, અને નવી તાલીમ કૌશલ્યની અછતને દૂર કરશે અને આગામી પેઢીને બાંધકામ ક્ષેત્રમાં પ્રેરણા આપશે. હું ઇચ્છું છું કે મારા પૌત્રો બાંધકામને એક વાસ્તવિક, સકારાત્મક માર્ગ તરીકે જુએ, અને મને લાગે છે કે આપણી બધાની ફરજ છે કે આપણે તે પેઢીને પ્રેરણા આપીએ.”

ભૂતપૂર્વ ફોરેન એન્ડ કોમનવેલ્થ મિનિસ્ટર લોર્ડ અહમદે કહ્યું હતું કે ‘’મિલકતની માલિકી બ્રિટિશ એશિયન ડીએનએમાં ખૂબ જ છે. બ્રિટિશ એશિયન ડેવલપર્સે સમુદાયોના નિર્માણમાં ફાળો આપ્યો છે. તેઓએ ભવિષ્યનું નિર્માણ કર્યું છે.”

સહયોગી સમિક્સના સહ-સ્થાપક અમિત ભાટિયાએ કહ્યું હતું કે ‘’કંપની દેશના કેટલાક સૌથી મોટા હાઉસિંગ ડેવવપર્સ, સ્ટુડન્ટ્સ એકોમોડેશન ડેવલપર્સ અને હોટેલિયરો સાથે કામ કરે છે. અમને છેલ્લા 17 વર્ષોમાં અમે જે કર્યું છે તેના પર ખૂબ ગર્વ છે. અમે દેશમાં 6,500થી વધુ નવા ઘરો બનાવ્યા છે. અમારી પાઇપલાઇન 20,000 જેટલા નવા ઘરો પૂરા પાડવામાં સફળ રહી છે. દેશમાં વિશાળ સંભાવનાઓ છે. દેશમાં મહાન કાર્યો કરવા માટે ખૂબ જ રસ છે, પરંતુ આપણને ફક્ત થોડી મદદ, થોડી સ્પષ્ટતા, થોડી નિયંત્રણમુક્તિની જરૂર છે.”

એવોર્ડના અન્ય વિજેતાઓમાં ઓકનોર્થનો સમાવેશ થાય છે, જેને ‘ઇસ્ટર્ન આઇ બેંક ઓફ ધ યર’ એનાયત કરાયો હતો. ઓકનોર્થની શરૂઆત 2015માં થઈ ત્યારથી, તેણે સ્કેલ-અપ્સને $16 બિલિયનથી વધુ રકમનું ધિરાણ આપ્યું છે, અને યુકે અને યુએસમાં 56,000 નોકરીઓનું સર્જન કરવા ઉપરાંત 34,000 નવા ઘરો બનાવવામાં મદદ કરી છે, જેમાંથી મોટાભાગના પોસાય તેવા અને સોસ્યલ હાઉસિંગમાં ઓકનોર્થની સ્થાપના એશિયન બિઝનેસમેન ઋષિ ખોસલા અને જોએલ પર્લમેન દ્વારા કરવામાં આવી હતી.

2024માં લંડન ક્ષેત્રમાં £250 મિલિયનના ડીલ સહિત કુલ 76 જેટલા હાઇ વેલ્યું ડીલ કરનાર પ્રાઇડવ્યુ ગ્રુપને ‘ઇસ્ટર્ન આઇ એડવાઇઝર ઓફ ધ યર’ એવોર્ડ એનાયત કરાયો હતો.

દેશભરમાં 11 શાખાઓ અને વિશાળ ગ્રાહક જુથની કોમર્શિયલ પ્રોપર્ટી ફાઇનાન્સિંગ જરૂરિયાતો પૂરી કરવા માટે જાણીતી ભારતની અગ્રણી બેંકોમાંની એક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા યુકેને ‘ઈસ્ટર્ન આઈ કોમર્શિયલ લેન્ડર ઓફ ધ યર’ એવોર્ડ એનાયત કરાયો હતો.

‘ઈસ્ટર્ન આઈ રાઇઝિંગ સ્ટાર એવોર્ડ’ પ્રોપર્ટી હબ લિમિટેડના ડિરેક્ટર સચિનકુમાર ગુપ્તાને તેમના અગાઉના ટ્રાવેલ એન્ટરપ્રાઇઝના નિર્માણ, મિલકત સંબંધિત સેવાઓ આપનાર અને વૈવિધ્યકરણ કરવા બદલ એનાયત કરાયો હતો.

ઘરો, ઓફિસો, રેસ્ટોરન્ટ્સ અને હોટલોમાં પરિવર્તન લાવનાર ઓરાંજ ઈન્ટીરીયર ડિઝાઇનને ‘ઈસ્ટર્ન આઈ ઈન્ટીરીયર ડિઝાઇનર ઓફ ધ યર’ એવોર્ડ અપાયો હતો. તેના સ્થાપક રચના ગુપ્તાની કંપની ગ્રાહકોને સ્પેસ પ્લાનિંગથી લઇને કસ્ટમ ફર્નિચર અને લેન્ડસ્કેપ ડિઝાઇન સુધીની વિવિધ સેવાઓ પ્રદાન કરે છે.

ચોપરા પ્રોપર્ટી ગ્રુપના મન્ની ચોપરાએ ‘ઈસ્ટર્ન આઈ પ્રોપર્ટી એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર એવોર્ડ’ મેળવ્યો હતો. પતિ રોમી સાથે તેઓ ચોપરા પ્રોપર્ટી ગ્રુપ ચલાવે છે, જે અપ્રિય મિલકતો શોધે છે અને તેમના પોતાના અને ખાનગી રોકાણકારોના ભંડોળનો ઉપયોગ કરીને તેનું રૂપાંતરણ અને વિકાસ કરે છે.

અન્ય વિજેતાઓમાં માર્કેટ ફાઇનાન્શિયલ સોલ્યુશન્સના પરેશ રાજા હતા, જેમણે ‘ડિસ્પ્ટર ઓફ ધ યર’ એવોર્ડ જીત્યો હતો. વાલોસને ‘ઇસ્ટર્ન આઇ ટેકનોલોજી કંપની ઓફ ધ યર’ એવોર્ડ અને એલ્ડરમોર બેંકને ‘ઇસ્ટર્ન આઇ સ્પેશિયાલિસ્ટ લેન્ડર એવોર્ડ’ અપાયો હતો.

LEAVE A REPLY