
હોમ સેક્રેટરી અને બર્મિંગહામ લેડીવુડના સાંસદ શબાના મહમૂદે લેબર પાર્ટી કોન્ફરન્સમાં પોતાના પહેલા ભાષણમાં યુકેમાં વસવાટ કરવા માંગતા માઇગ્રન્ટ્સ માટે આકરી શરતો નક્કી કરતાં કહ્યું હતું કે ઇન્ડેફિનેટ લીવ ટૂ રીમેન માટે અરજદારોએ અદ્યતન ઇંગ્લિશ કુશળતા કેળવવી પડશે અને સ્વચ્છ ગુનાહિત રેકોર્ડ રાખવા સાથે નિયમિત ટેક્સમાં યોગદાન અપવાનું રહેશે અને કોઇ બેનીફીટ પર નિર્ભરતા રાખવાની રહેશે. માઇગ્રન્ટ્સે વોલંટીયરીંગ કરતા હોવાના પુરાવા દર્શાવવાની જરૂર પડશે.
હાલમાં ILR માટે રાહ જોવાનો સમયગાળો પાંચ વર્ષનો છે તેને બમણો કરીને 10 વર્ષ કરવાનો ચાલુ પરામર્શ ચાલી રહ્યો છે.
હોમ ઓફિસનું નેતૃત્વ કરનાર પ્રથમ બ્રિટિશ મુસ્લિમ મિનિસ્ટર મહમૂદે કહ્યું હતું કે “આ દેશમાં ફક્ત સમય વિતાવવો પૂરતો નથી. મારા માતાપિતાની જેમ, તમારે આ દેશમાં રહેવાનો અધિકાર મેળવવો જોઈએ. જો તમે આમ કરશો, તો આપણો દેશ તમારું સ્વાગત કરશે. હું એક કઠોર લેબર હોમ સેક્રેટરી બનીશ, આ દેશના દ્રષ્ટિકોણ માટે તમારા બધા સાથે લડીશ જે આપણા માટે વિશિષ્ટ છે.” તેમણે ખતરનાક ચેનલ ક્રોસિંગ પાછળની ગુનાહિત ગેંગ પર કડક કાર્યવાહી કરવાનું અને સમુદાયીક સ્તરે ગુનાનો સામનો કરવાનું વચન આપ્યું હતું.
તેમણે ફાર રાઇટ ઇમિગ્રેશન વિરોધી માર્ચની નિંદા કરી, વધતા “વંશીય-રાષ્ટ્રવાદ” સામે ચેતવણી આપી હતી અને બ્રિટનવાસીઓને “નાના ઇંગ્લેન્ડ નહીં, પણ ગ્રેટર બ્રિટન”ના વિઝન માટે એક થવા વિનંતી કરી હતી.
- હાલમાં લગભગ 120,000 શરણાર્થીઓને યુનિવર્સલ ક્રેડિટ લાભ મળે છે.
- શનિવારે 125 ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ નાની હોડીમાં ચેનલ પાર કરીને બ્રિટન પહોંચ્યા હતા.
- મે મહિનામાં પ્રકાશિત શ્વેતપત્રમાં સરકારે યુકેમાં અનિશ્ચિત સમય માટે રહેવા માટે માઇગ્રન્ટ્સ માટે 10 વર્ષનો વસવાટ લાગુ કરવાનું વચન આપ્યું હતું.
