આગામી ફિલ્મ 'ઓ'રોમિયો'ના ટ્રેલર લોન્ચ દરમિયાન,બુધવાર, 21 જાન્યુઆરી, 2026ના રોજ મુંબઈમાં.બોલીવુડ કલાકારો તૃપ્તિ ડિમરી, ફરીદા જલાલ, શાહિદ કપૂર અને ફિલ્મ નિર્માતા, સંગીતકાર વિશાલ ભારદ્વાજ (PTI Photo)
બોલીવૂડના ઘણા જાણીતા અભિનેતા-દિગ્દર્શકની જોડીની આ ફિલ્મો આ વર્ષે રીલીઝ થશે. તેમના ચાહકો તેમની નવી ફિલ્મોની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. એવું પણ કહેવાય છે કે, 2026 જુના એક્ટર-ડિરેક્ટરના પુર્નમિલનનું વર્ષ હશે. કારણ કે, આ વર્ષમાં એવાં ઘણા અભિનેકતા છે, જે પોતાના જુના દિગ્દર્શક સાથે ફરીથી કામ કરી રહ્યા છે. આ જોડીઓમાં અક્ષયકુમાર-પ્રિયદર્શન, વરુણ-ડેવિડ ધવન અને શાહિદ કપૂર-વિશાલ ભારદ્વાજ વગેરેનો સમાવેશ થાય છે.
પ્રિયદર્શન–અક્ષય કુમાર
આ જોડી બોલીવૂડમાં ખૂબ જાણીતી છે. તેમણે બંનેએ અગાઉ 2000માં હેરાફેરી, 2005માં ગરમ મસાલા, 2006માં ભાગમભાગ અને 2007માં ભૂલભુલૈયા જેવી સફળ અને યાદગાર ફિલ્મો દર્શકોને આપી છે. હવે તેઓ ફરી એક વખત એક પછી એક ત્રણ ફિલ્મ લઇને આવી રહ્યા છે. પહેલાં તેમની ભૂતબંગલા રિલીઝ થશે, તેના પછી હૈવાન પણ આ જ વર્ષે રિલીઝ થશે. ત્યારપછી તેઓ ટૂંક સમયમાં હેરાફેરી-3નું કામ શરૂ કરશે.
અભિષેક પાઠક–અજય દેવગણ અને તબ્બુ
બોલીવૂડની સૌથી લોકપ્રિય સીક્લવમાં સ્થાન ધરાવતી દૃશ્યમનો નવો ભાગ આ વર્ષે આવી રહ્યો છે, તે પણ ગાંધી જયંતિની આલપાસ પર જ રિલીઝ થશે. આ ફિલ્મમાં ફરીથી અજય દેવગણ અને તબ્બુ અભિષેક પાઠક સાથે કામ કરી રહ્યાં છે. હવે આ ફિલ્મના અન્ય કલાકારોમાં જયદીપ આહલાવતનો પણ સમાવેશ થાય છે, તાજેતરમાં અક્ષય ખન્નાએ ફિલ્મ છોડતામાં તેના સ્થાને જયદીપને લેવામાં આવ્યો હતો.
અનુરાગ સિંહ–સોનમ બાજવા
અનુરાગ સિંહે અગાઉ દિલજિત દોસાંજ અને સોનમ બાજવા સાથે પંજાબી ફિલ્મો બનાવી છે, જેમાં 2014ની પંજાબ અને 2017ની સુપર સિંઘ સહિતની ફિલ્મોનો સમાવેશ થાય છે. હવે આ ત્રિપુટી ફરી એક વખત સાથે કામ રહી છે. પરંતુ આ વખતે તેઓ એક હિન્દી ફિલ્મમાં સાથે આવી રહ્યાં છે, અનુરાગ સિંહે બોર્ડર 2નું દિગ્દર્શન કર્યું છે, જેમાં સોનમ બાજવા અને દિલજિતની જોડી જોવા મળશે. આ ફિલ્મ 26 જાન્યુઆરીના વીકેન્ડમાં રિલીઝ થઈ રહી છે.
વિશાલ ભારદ્વાજ-શાહિદ કપૂર
વિશાલ અને શાહીદની જોડીએ અગાઉ 2009માં કમીનેથી શરૂ કરીને 2014માં હૈદર અને 2017માં રંગૂન સહિત ત્રણ યાદગાર ફિલ્મો આપી છે. હવે તેઓ ફરીથી સાથે કામ કરી રહ્યા છે અને ઓ રોમિયો નામની ફિલ્મ લઇને આવી રહ્યા છે. આ ફિલ્મ ફેબ્રુઆરીમાં રિલીઝ થવાની શક્યતા છે અને તેમાં તૃપ્તિ ડીમરી મુખ્ય ભૂમિકામાં છે, સાથે અવિનાશ તિવારી, તમન્ના ભાટિયા અને વિક્રાંત મેસ્સી પણ મહત્વના પાત્રમાં જોવા મળશે.
મુદસ્સર અઝીઝ–રકુલપ્રીત સિંહ
મુદસ્સર અઝીઝ અને રકુલપ્રીત સિંહે સૌથી પહેલાં રોમેન્ટિક કોમેડી ફિલ્મ- મેરે હસબન્ડ કી બીવીમાં ગત વર્ષે સાથે કામ કર્યું હતું. આ વર્ષે હવે તેઓ પતિ પત્ની ઔર વો દોમાં સાથે કામ કરી રહ્યાં છે. જેમાં રકુલપ્રીત સાથે આયુષ્યમાન ખુરાના, સારા અલી ખાન અને વામિકા ગબ્બી પણ કામ કરી રહ્યાં છે. આ ફિલ્મ માર્ચમાં રિલીઝ થશે.
ઇમ્તિયાઝ અલી–દિલજિત દોસાંજ
ઇમ્તિયાઝ અલી અને દિલજિત દોસાંજે પ્રથમવાર સાથે અમરસિંહ ચમકિલામાં કામ કર્યું હતું, જે એક બાયોપિક હતી. તે ફિલ્મને સમીક્ષકોએ તો વખાણી હતી સાથોસાથ તેને એમિ એવોર્ડ્ઝમાં પણ બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ એક્ટર કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું. હવે તેઓ ફરી એક વખત સાથે કામ કરી રહ્યા છે, તેમાં વેદાંગ રૈના અને શર્વરી વાઘ પણ છે. આ ફિલ્મ આ વર્ષના અંતમાં રિલીઝ થઈ શકે છે.
વરુણ ધવન-ડેવિડ ધવન
આ પિતા-પુત્રની જોડી ફરી એક વખત મેં તેરા હીરો અને જુડવા પછી હૈ જવાની તો ઇશ્ક હોના હૈમાં સાથે કામ કરી રહી છે. તેમની ફિલ્મ જુનમાં રિલીઝ થઈ શકે છે. તે ઉપરાંત રિતેશ દેશમુખ અને જેનિલિયા દેશમુખ પણ 2022માં આવેલી તેમની મરાઠી ફિલ્મ વેડ પછી રાજા શિવાજીમાં કામ કરી રહ્યાં છે. જોકે, રિતેશ આ ફિલ્મના નિર્માતા પણ છે અને આ ફિલ્મમાં જેનિલિયા પણ જોવા મળશે. આ ફિલ્મ મે મહિનામાં રિલીઝ થઈ શકે છે.

LEAVE A REPLY