ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ની T20 વર્લ્ડ કપ 2026ની તેની મેચો ભારતમાંથી ખસેડવાની વિનંતીને નકારી કાઢી હતી. બુધવારે મળેલી ઇમરજન્સી બોર્ડ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં બધા સભ્યો હાજર રહ્યા હતા. બોર્ડના 12 સભ્યોમાંથી બે સિવાયના બધાએ T20 વર્લ્ડ કપના સમયપત્રકમાં કોઈપણ ફેરફાર કરવાનો વિરોધ કર્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે આ નિર્ણયની BCBને જાણ કરવામાં આવી હતી કે તેની પાસે ICCને પોતાનો અંતિમ નિર્ણય જણાવવા માટે 24 કલાકનો સમય છે. જો બાંગ્લાદેશ સ્પર્ધા માટે ભારત ન જવાના પોતાના વલણ પર અડગ રહેવાનું નક્કી કરે છે કરશે તો તેનું સ્થાન સ્કોટલેન્ડ લે તેવી શક્યતા છે.
વિવાદની શરૂઆત આઈપીએલમાં બાંગ્લાદેશના ખેલાડી મુસ્તફિઝુર રહેમાનના સમાવેશના મુદ્દે થોડા દિવસ પહેલા થઈ હતી. બાંગ્લાદેશમાં છેલ્લા થોડા દિવસોમાં લઘુમતી હિન્દુ સમુદાયના લોકોને ખાસ નિશાન બનાવી તેમના ઉપર જીવલેણ હુમલાના બનાવો સતત બની રહ્યા છે. ફક્ત ભારત નહીં, વિદેશી સરકારોએ પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કર્યા છતાં બાંગ્લાદેશની વચગાળાની સરકાર આ મુદ્દે કોઈ સંતોષકારક પગલાં નહીં લેતી હોવાના કારણે ભારતમાં કેટલાક લોકોએ બાંગ્લાદેશી ક્રિકેટરના ભારતમાં આઈપીએલમાં રમવા સામે વિરોધ શરૂ કર્યો હતો. વિવાદમાં મૂળભૂત રીતે તો રહેમાનની કેકેઆર ટીમના માલિક શાહરૂખ ખાનને પણ ભીંસમાં લેવાયો હતો. આખરે વિવાદ વકરતાં ભારતીય ક્રિકેટ બોર્ડે કોલકાતા નાઈટ રાઈડર્સને સૂચના આપી હતી કે, મુસ્તફિઝુરને ટીમમાંથી વિદાય કરી દેવામાં આવે. કેકેઆરને રહેમાનને આ મુદ્દે જાણ કર્યા પછી બાંગ્લાદેશના ઉશ્કેરાટની શરૂઆત થઈ હતી અને તેને ભારતમાં રમવાનો ઇનકાર કર્યો હતો.













