બોલીવૂડમાં છેલ્લા ઘણા વર્ષોથી મોટી ફિલ્મો હિટ થઈ રહી નથી. મોટા કલાકારોની ફિલ્મો પણ ખાસ સફળ થતી નથી અને ઘણી ફિલ્મો થોડા દિવસોમાં જ થિયેટરમાંથી દૂર કરવામાં આવી રહી છે. હવે આ મુદ્દે સંજય દત્તે પણ સ્વીકાર્યું છે કે, ઈન્ડસ્ટ્રીમાં હવે એકતા રહી નથી, તેમાં પણ ભાગલા પડી ગયા છે. તાજેતરમાં એક ફિલ્મી કાર્યક્રમમાં સંજયે લોકો સામે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેણે કહ્યું હતું કે ‘દુ:ખ થાય છે કે, ઈન્ડસ્ટ્રીમાં ભાગલા પડી ગયા છે, જે મેં પહેલા ક્યારેય જોયા નહોતા. આપણે એક પરિવાર હતા અને હંમેશા રહીશું, થોડા ભટકી ગયા છીએ. હું એટલું જ કહેવા ઇચ્છું છું કે, ઈન્ડસ્ટ્રી માટે દરેક ફિલ્મ મહત્વની હોય છે અને દરેક ફિલ્મને તે તક મળવી જોઈએ. હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ફરીથી એક પરિવાર તરીકે સાથે રહેવા વિનંતી કરું છું. ચાલો એકબીજાને મદદ કરીએ જેથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો વિકાસ થાય.’ સંજય દત્તની નવી હોરર-ડ્રામા ફિલ્મ ‘ધ ભૂતની’ તાજેતરમાં રીલીઝ થઇ હતી. જેમાં પલક તિવારી, સની સિંહ, મૌની રોય અને આસિફ ખાન જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. તેના દિગ્દર્શક સિદ્ધાંત સચદેવ છે.
