ભારતીય અમેરિકન ફિલ્મ નિર્માત્રી ગીતા ગંધબીરેને ઓસ્કારના બે નોમિનેશન મળ્યા છે. બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ કેટેગરીમાં તેમની ફિલ્મ ‘ધ ડેવિલ ઇઝ બિઝી’ માટે અને બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર સેગમેન્ટમાં ‘ધ પરફેક્ટ નેબર’ માટે આ નોમિનેશન્સ મળ્યા છે. લોસ એન્જલસમાં એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સ દ્વારા 98મા એકેડેમી એવોર્ડ્સ માટે નોમિનેશનની જાહેરાત કરવામાં આવી હતી. ગંધબીરે એલિસા પેન, નિકોન ક્વાન્ટુ અને સેમ બિસ્બી સાથે પણ ફિલ્મનું નિર્માણ કર્યું છે. સામ પેલોર્ડ અને સ્પાઇક લીના માર્ગદર્શન હેઠળ કામ કરનાર દિગ્દર્શક ગીતા ગંધબીરનો જન્મ ભારતીય માતા-પિતાને ત્યાં થયો હતો, અને તેઓ 1960ના દસકામાં અમેરિકામાં આવ્યા હતા. આ ઉપરાંત ગંધબીરે 2022માં એમી એવોર્ડ વિજેતા શોર્ટ ફિલ્મ ‘થ્રુ અવર આઇઝ: અપાર્ટ’નું દિગ્દર્શન પણ કર્યું હતું. આ વર્ષે 98મો એકેડેમી એવોર્ડ સમારંભ 15 માર્ચના રોજ હોલીવૂડના ડોલ્બી થિયેટરમાં યોજાશે.













