રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી બદલ ભારત પર અમેરિકાના પગલાંથી ઊભા થતાં કોઇ પણ પડકારનો સામનો કરવા માટે રશિયા પાસે ‘વિશેષ વ્યવસ્થાતંત્ર’ છે અને ભારત અને રશિયા વચ્ચેના ઊર્જા સંબંધો વધતાં રહેશે, એમ રશિયાના ચાર્જ દ’અફેર્સ રાજદૂત રોમન બાબુશ્કિને બુધવારે જણાવ્યું હતું.
રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી માટે 25 ટકા સહિત કુલ 50 ટકા ટેરિફ લાદવાની અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતના સંદર્ભમાં રશિયન રાજદૂતના આ નિવેદનનું વિશેષ મહત્ત્વ છે. એક મીડિયા બ્રીફિંગમાં તેમણે જણાવ્યું હતું કે કેટલાંક મહત્ત્વના ક્ષેત્રોમાં નવી દિલ્હી સાથે તેમના દેશના સંબંધો ઝડપથી વધુ મજબૂત બનશે. રશિયા ભારતની વિવિધ લશ્કરી પ્લેટફોર્મ અને હાર્ડવેરની જરૂરિયાત માટે પસંદગીનો ભાગીદાર દેશ છે.
રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરવા માટે ભારત પરના અમેરિકાના સતત દબાણને અયોગ્ય ગણાવીને તેમણે જણાવ્યું હતું કે આવા અભિગમ તેમજ પ્રતિબંધો વૈશ્વિક આર્થિક સ્થિરતા અને ઊર્જા સુરક્ષા માટે હાનિકારક છે. ભારત માટે આ એક પડકારજનક સ્થિતિ છે. અમને ભારત સાથેની અમારી ભાગીદારીમાં વિશ્વાસ છે અને અમે બંને દેશો વચ્ચેના ઊર્જા સંબંધોના આડે આવતાં પડકારોનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
