
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની 50 ટકા ટેરિફ વચ્ચે મોસ્કોની મુલાકાતે ગયેલા ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે ગુરુવારે વિદેશ પ્રધાન સેર્ગેઈ લાવરોવ સાથે બેઠક યોજી હતી. વિદેશ પ્રધાન એસ જયશંકર રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનને પણ મળ્યાં હતાં.
આ બેઠકમાં બંને દેશો વચ્ચે સંતુલિત રીતે વેપાર વધારવાના, ખાતરો જેવી મુખ્ય કોમોડિટીનો લાંબા ગાળાનો પુરવઠો સુનિશ્ચિત કરવાના અને ઊર્જા સહયોગ ટકાવી રાખવાના માર્ગો પર ચર્ચા વિચારણા કરાઈ હતી. આમ ટ્રમ્પે ટેરિફ લાદી હોવા છતાં ભારત રશિયાના ક્રૂડ ઓઇલની ખરીદી ચાલુ રાખે તેવી પૂરી શક્યતા છે.
બંને દેશોએ દ્વિપક્ષીય વેપારમાં વધારો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, જેમાં રશિયામાં ભારતની નિકાસમાં વધારાનો સમાવેશ થાય છે.
આ બેઠક પછી જયશંકરે જણાવ્યું હતું કે ભૂરાજકીય સંકલનને કારણે ભારત અને રશિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વિશ્વમાં સૌથી મજબૂત છે. જયશંકરે જંગી વેપાર ખાધ, નોન ટેરિફ અવરોધ અને નિયમનકારી અવરોધનો ઝડપી ઉકેલ લાવવાની જરૂરિયાત દર્શાવી હતી. જયશંકર અને લાવરોવે તેમની વાતચીતમાં આતંકવાદ સામે લડવાના માર્ગો પર પણ ચર્ચા કરી હતીં.
જયશંકરે જણાવ્યું હતું કે અમે દ્વિપક્ષીય વેપારને સંતુલિત અને ટકાઉ રીતે વિસ્તૃત કરવાની અમારી સહિયારી મહત્વાકાંક્ષાની ફરી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, જેમાં રશિયામાં ભારતની નિકાસમાં વધારાનો સમાવેશ થાય છે.
જયશંકર રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનને પણ મળ્યાં હતાં. પુતિન આ વર્ષના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શિખર સંમેલન માટે ભારતની મુલાકાતે આવવાના છે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યીનને નવી દિલ્હીમાં મળ્યા પછી જયશંકર રશિયાની મુલાકાતે ગયા છે. ભારત અને અમેરિકા વચ્ચે કથળેલા સંબંધો વચ્ચે જયશંકરની રશિયા મુલાકાતનું વિશેષ મહત્ત્વ છે
