પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

બ્રિટનના નવા ચૂંટાયેલા વડાપ્રધાન કેયર સ્ટાર્મરે શનિવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ બંને દેશો માટે લાભકારક મુક્ત વેપાર કરાર (FTA) પૂર્ણ કરવા માટે તૈયાર છે, એમ ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું.

ભારત અને યુકે વચ્ચે બે વર્ષથી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર વાટાઘાટો ચાલે છે, પરંતુ બંને દેશોમાં તાજેતરમાં સામાન્ય ચૂંટણીને કારણે આ કરાર માટેની વાટાઘાટો  14મા રાઉન્ડમાં અટકી પડી હતી. હવે યુકેમાં સ્ટાર્મરના વડપણ હેઠળની નવી  મજબૂત સરકારની રચના થઈ ગઈ છે, તેથી આ કરાર ઝડપથી પૂર્ણ થવાની ધારણા છે.

યુકે સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન સ્ટાર્મરે બંને દેશો વચ્ચેના મજબૂત અને આદરપૂર્ણ સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે આતુરતા દર્શાવી હતી અને તથા તેઓ ક્લાઇમેટ ચેન્જ અને આર્થિક વૃદ્ધિ જેવા મુખ્ય વૈશ્વિક પડકારો પર વડાપ્રધાન મોદીના નેતૃત્વને આવકારે છે.

બંને નેતાઓ વચ્ચે  બંને દેશો વચ્ચેના “જીવંત પુલ” અને 2030ના રોડમેપના મહત્ત્વ અંગે પણ ચર્ચાવિચારણા થઈ હોવાનું માનવામાં આવે છે. બંને નેતાઓ સંરક્ષણ અને સુરક્ષા, જટિલ અને ઉભરતી ટેકનોલોજી તથા આબોહવા જેવા વિશાળ ક્ષેત્રોમાં બંને દેશોના સહકારને ગાઢ બનાવવા સંમત થયાં હતાં.

પ્રવક્તાએ જણાવ્યું હતું કે “મુક્ત વ્યાપાર કરારની ચર્ચાવિચારણા કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે તેઓ બંને પક્ષો માટે કામ કરે તેવા સોદાને પૂર્ણ કરવા માટે તૈયાર છે. નેતાઓ વહેલી તકે મળવાની આશા રાખે છે.”

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments