ગુજરાતથી લઇને દિલ્હી સુધી વિસ્તરતી અરવલ્લી પર્વતમાળા અંગેના મોટા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે સોમવારે આ પર્વતમાળાની સુધારેલી વ્યાખ્યા સ્વીકારતા ગયા મહિનાના પોતાના આદેશ પર સ્ટે મૂક્યો હતો.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની વેકેશન બેન્ચે કહ્યું જણાવ્યું હતું કે અમે સમિતિની ભલામણો અને આ કોર્ટના નિર્દેશોને સ્થગિત રાખવા જરૂરી માનીએ છીએ.”
કોર્ટે પર્વતમાળાની અપડેટ કરેલી વ્યાખ્યાના સંદર્ભમાં જે મુદ્દાઓની તપાસ કરવાની અથવા ફરીથી તપાસ કરવાની જરૂર છે તેનો અભ્યાસ કરવા માટે એક નવી સમિતિની રચના કરવાનો પણ આદેશ આપ્યો હતો. કોર્ટે સંઘીય સરકાર અને ચાર સંબંધિત રાજ્યો – રાજસ્થાન, ગુજરાત, દિલ્હી અને હરિયાણાને નોટિસ જારી કરી હતી અને આગામી સુનાવણીની તારીખ 21 જાન્યુઆરી નક્કી કરી હતી.
અગાઉ અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગેના વકરતા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે આ મુદ્દાની સુઓ-મોટો નોંધ લઈને સુનાવણી કરી હતી. આ વિવાદનું મુખ્ય કારણ 100 મીટર કે તેથી વધુ ઊંચાઈવાળી ટેકરીઓને અરવલ્લી પર્વત ગણવાની અને બાકીના વિસ્તારોમાં ખાણકામની મંજૂરી આપવાની કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની ભલામણ છે. આ ભલામણને 20 નવેમ્બર, 2023ને રોજ સુપ્રીમ કોર્ટે સ્વીકારી હતી. તેનાથી મોટો વિવાદ થયો હતો. વિવાદ પછી કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે રાજ્યોને અરવલ્લીમાં કોઈપણ નવા ખાણકામ લીઝ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાના નિર્દેશો જારી કર્યા છે.
અરવલ્લી પર્વતમાળાના મુદ્દે સરકાર પર પ્રહાર કરતાં કોંગ્રેસે દાવો કર્યો હતો કે સરકારની નવી વ્યાખ્યાથી સમગ્ર પર્વતમાળાનું વિભાજન થશે તથા ભૌગોલિક અને પર્યાવરણીય નુકસાન થશે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે એક પત્ર લખીને રવિવારે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવને ચાર સવાલ કર્યો હતાં. તેમણે જણાવ્યું હતું કે નવી વ્યાખ્યા અંગેની ચિંતાઓ સ્વભાવિક છે, કારણ તે તેનાથી 100 મીટરથી ઓછી ઉંચાઈની ટેકરીઓનો નાશ થશે.












