અમેરિકાના ન્યુજર્સીમાં રવિવારે બે હેલિકોપ્ટર હવામાં અથડાતા એક પાયલટનુ મોત થયું હતું અને બીજા પાયલટ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ દુર્ઘટના એટલાન્ટિક કાઉન્ટીના હેમોન્ટન મ્યુનિસિપલ એરપોર્ટ પર સ્થાનિક સમય મુજબ સવારે લગભગ 11:25 વાગ્યે બની હતી. હેમોન્ટનના પોલીસ વડા કેવિન ફ્રિલે જણાવ્યું કે એરપોર્ટ પાસે વિમાન દુર્ઘટનાના સમાચાર મળતા જ ઈમરજન્સી ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ જણાવ્યું કે આ ટક્કર એનસ્ટ્રોમ F-28A અને એનસ્ટ્રોમ 280C હેલિકોપ્ટર વચ્ચે થઈ હતી. દુર્ઘટના સમયે બંને વિમાનમાં માત્ર પાયલટ જ સવાર હતાં.
ઘટનાસ્થળના વીડિયોમાં એક હેલિકોપ્ટર જમીન પર પડતા પહેલા હવામાં ઝડપથી ગોળ-ગોળ ફરતું જોવા મળ્યું હતું. એક હેલિકોપ્ટરમાં આગ પણ લાગી ગઈ હતી, જેને ફાયર વિભાગની ટીમે કાબૂમાં લીધી હતી.
અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે એક પાયલટનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બીજા પાઈલટને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.













