ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે ભારતીય મૂળના ફિઝિશિયન પદ્મજા પટેલની ન્યુટ્રીશન એડવાઈઝરી કમિટિમાં નિયુક્તિ કરી છે. મિડલેન્ડ સ્થિત ચિકિત્સક પદ્મજા પટેલ 1 સપ્ટેમ્બર, 2029 સુધી આ સમિતિમાં સેવા આપશે. સમિતિ આહાર અને પોષણ અંગે રાજ્યને સલાહ આપે છે અને જટિલ રોગોને રોકવા અને તેનો સામનો કરવામાં આહારની ભૂમિકાની તપાસ કરે છે.
સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે ગવર્નર આ સમિતિમાં તબક્કાવાર મુદત માટે સભ્યોની નિયુક્તિ કરે છે અને સભ્યો તબીબી અને જાહેર આરોગ્યની વિવિધ શાખાઓનું પ્રતિનિધિત્વ કરે છે.
ગુજરાતમાં જન્મેલા પદ્મજા પટેલે મેડિકલ કોલેજ ઓફ બરોડામાંથી મેડિકલ ડિગ્રી મેળવી હતી અને અમેરિકામાં મેડિકલ તાલીમ પૂર્ણ કરી હતી. તેઓ નુડજ હેલ્થમાં ચીફ મેડિકલ ઓફિસર તરીકે સેવા આપે છે અને અમેરિકન કોલેજ ઓફ લાઇફસ્ટાઇલ મેડિસિનના પ્રમુખ છે.
તેઓ મિડલેન્ડ ક્વોલિટી એલાયન્સ અને હેલ્ધી સિટી મિડલેન્ડમાં લીડરશીપની ભૂમિકા ભજવે છે તથા ટેક્સાસ મેડિકલ એસોસિએશન, અમેરિકન મેડિકલ એસોસિએશન અને અમેરિકન કોલેજ ઓફ ફિઝિશિયન્સ સાથે જોડાયેલાં છે.
મિડલેન્ડ સ્થિત પદ્મજા પટેલ જીવનશૈલી દવા તથા રોગ નિવારણ અને જટિલ રોગ વ્યવસ્થાપન પર કેન્દ્રિત સમુદાય આરોગ્ય પહેલમાં તેમના કાર્ય માટે જાણીતા છે











