પ્રતિકાત્મક તસવીર (istockphoto)

રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ ઓથોરિટી (NTCA)એ મધ્ય ગુજરાતના રતનમહાલ વન્યજીવન અભયારણ્યમાં વાઘની હાજરીની પુષ્ટિ કરી કરતાની સાથે ગુજરાતે 33 વર્ષ પછી ‘ટાઇગર સ્ટેટ’ તરીકેનો દરજ્જો પાછો મેળવ્યો હતો. ગુજરાતના વન અને પર્યાવરણ પ્રધાન અર્જુન મોઢવાડિયાએ શુક્રવાર, 26 ડિસેમ્બરે આ અંગેની જાહેરાત કરી હતી.

સત્તાવાર નિવેદનમાં જણાવ્યા અનુસાર વન અધિકારીઓએ આ વર્ષે 23 ફેબ્રુઆરીના રોજ આ અભયારણ્યમાં કંજેટા રેન્જના પીપલગોટા રાઉન્ડમાં વાઘના પગના નિશાન શોધી કાઢ્યાં હતાં. કેમેરા ટ્રેપ ડેટાના વિશ્લેષણમાં 22 ફેબ્રુઆરીના રોજ સવારે 2:40 વાગ્યે કેદ કરાયેલ વાઘની છબી બહાર આવી હતી.આ તારણો બાદ NTCA ને વાઘની હાજરી વિશે જાણ કરાઈ હતી.

વાઘની હાજરીની સત્તાવાર પુષ્ટી મળતાં ગુજરાતના વન્યજીવ ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો હતો. આ સાથે જ ગુજરાત સમગ્ર ભારતમાં એકમાત્ર એવું રાજ્ય બન્યું છે, જ્યાં કુદરતી નિવાસસ્થાનમાં વન્યજીવ સૃષ્ટિની ત્રણેય મુખ્ય પ્રજાતિઓ સિંહ, વાઘ અને દીપડો એકસાથે અસ્તિત્વ ધરાવે છે.

ગુજરાત વન વિભાગ હવે દાહોલ જિલ્લામાં આવેલા રતનમહાલને સત્તાવાર રીતે ‘ટાઈગર રિઝર્વ’ જાહેર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. વાઘનો વંશવેલો વધારવા માટે અન્ય રાજ્યોમાંથી માદા વાઘ લાવવા અંગે વિચારણા ચાલુ કરાઈ છે. વાઘના સંરક્ષણ માટે સ્પેશિયલ પ્રોટેક્શન ફોર્સ અને અત્યાધુનિક મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવામાં આવશે.

અત્યાર સુધી ગુજરાતની ઓળખ વિશ્વભરમાં માત્ર ‘એશિયાટિક સિંહો’ના ઘર તરીકે હતી, પરંતુ હવે ‘ટાઈગર સ્ટેટ’નો દરજ્જો મળતા પ્રવાસન અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની ખ્યાતિ વૈશ્વિક સ્તરે વધશે.

પ્રધાનના જણાવ્યા મુજબ, ગુજરાતમાં એક સમયે વાઘ મોટી સંખ્યામાં હતાં, પરંતુ ધીમે ધીમે રાજ્યમાંથી લુપ્ત થઈ ગયા હતાં. છેલ્લી ૧૯૮૯માં વાઘ ગણતરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે અધિકારીઓએ વાઘના પગના નિશાન જોયાં હતાં, પરંતુ એક પણ વાઘ જોવા મળ્યો ન હતો. ૧૯૯૨ની વાઘની વસતી ગણતરીમાં ગુજરાતને બાકાત રખાયુ હતું અને વાઘ રાજ્ય તરીકેનો દરજ્જો ગુમાવી દીધો હતો. ૨૦૧૯માં મહિસાગર જિલ્લામાં વાઘ જોવા મળતાં આશાનું કિરણ જાગ્યું હતું, પરંતુ કમનસીબે તે ફક્ત ૧૫ દિવસ જ બચી શક્યો. અમારા માટે આનંદની વાત છે કે વાઘે ફરી એકવાર ગુજરાતને પોતાનું ઘર બનાવ્યું છે.

LEAVE A REPLY