(PTI Photo)

બોલીવુડમાં અનેક મહાન ગીતોને પોતાનો અવાજ આપનાર પ્રખ્યાત આસામી ગાયક ઝુબીન ગર્ગનું સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ વખતે થયેલા અકસ્માતમાં મોત થયું હતું. તેઓ 52 વર્ષના હતાં. તેમના મૃત્યુના સમાચારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને તેમના ચાહકોને આઘાત લાગ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના રાજકીય નેતાઓએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.

ગાયક 19-21 સપ્ટેમ્બરના રોજ યોજાનાર નોર્થઇસ્ટ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે સિંગાપોરમાં હતા. સિંગાપોર પોલીસે તેમને દરિયામાંથી બચાવ્યા અને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ ડોકટરો તેમને બચાવી શક્યા નહીં.

ઝુબીન ગર્ગ આસામના પ્રખ્યાત સંગીતકાર હતાં. તેમણે બોલીવુડ માટે ઘણા સુપરહિટ ગીતો પણ આપ્યા હતા જેમાં ફિલ્મ ગેંગસ્ટરના “યા અલી”નો સમાવેશ થાય છે. ઝુબીન ગર્ગ ફિલ્મો અને સંગીતમાં તેમના કામ માટે જાણીતા હતા. તેમણે આસામી, બંગાળી અને હિન્દી ભાષાની ફિલ્મોમાં ગીતો ગાયા હતાં. તેમણે ઘણી ફિલ્મોમાં અભિનય અને દિગ્દર્શન પણ કર્યું, જેમાં કંચનજંગા, મિશન ચાઇના, દિનબંધુ, મોન જય સુપરહિટ ફિલ્મો હતી.

ઝુબીન ગર્ગનો જન્મ 18 નવેમ્બર, 1972 ના રોજ આસામના જોરહાટમાં થયો હતો. તેમને બાળપણથી જ સંગીત પ્રત્યે ઉત્સાહ હતો. તેમને આસામી અને બંગાળી સંગીત જગતમાં સુપરસ્ટાર ગાયક અને સંગીતકાર માનવામાં આવે છે. તેમણે 30 થી વધુ ભાષાઓમાં ગીતો ગાયા અને પોતાની અનોખી શૈલીથી લોકોના દિલ જીતી લીધા. આસામી સિનેમામાં તેમનું યોગદાન એટલું ઊંડું છે કે તેમને ઘણીવાર “આસામના રોકસ્ટાર” તરીકે ઓળખવામાં આવે છે.

 

 

 

LEAVE A REPLY