મુંબઈસ્થિત સ્વીડનના કોન્સ્યુલ જનરલના નેતૃત્ત્વમાં એક ડેલીગેશને તાજેતરમાં ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલની મુલાકાત લીધી હતી. સ્વીડનના કોન્સ્યુલ જનરલ શ્રીયુત સ્વેન ઓસ્ટબર્ગે અને ૧૧ જેટલી સ્વીડિશ કંપનીઝ-ઉદ્યોગ સંચાલકોએ ફળદાયી બેઠક ગાંધીનગરમાં યોજી હતી. ગુજરાત સરકાર અને સ્વીડન વચ્ચે વિવિધ ક્ષેત્રે રોકાણો અને સહભાગીતાને પ્રોત્સાહિત કરવા ઇન્વેસ્ટર્સ ફેસીલીટેશન મિકેનિઝમ વધુ સંગીન બનાવવાના હેતુથી આ બેઠક યોજવામાં આવી હતી.
મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાત પ્રો-એક્ટીવ ગવર્નન્સ અને પોલીસી ડ્રીવન સ્ટેટ તરીકે દેશ અને દુનિયાના રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતમાં એવું પ્રોત્સાહક અને શાંતિપૂર્વક વાતાવરણ તથા સુદ્રઢ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે કે, એકવાર ગુજરાતમાં ઉદ્યોગ-રોકાણ માટે આવનારા લોકો ગુજરાત સિવાય અન્ય ક્યાંય રોકાણો માટે જતા નથી. તેમણે રિન્યૂએબલ એનર્જી, ગ્રીન ગ્રોથ જેવા ક્ષેત્રોમાં પણ ગુજરાતે લીડ લીધી છે તેની ભૂમિકા આપી હતી. સ્વીડનના ઉદ્યોગ-રોકાણકારોને આ ક્ષેત્રે રોકાણો માટે રાજ્ય સરકારના સહયોગ આપવા સાથે અન્ય નાના-મોટા પ્રશ્નોનું પણ ત્વરાએ યોગ્ય નિવારણ લાવવાની તેમણે ખાતરી આપી હતી.
સ્વીડનના કોન્સ્યુલ જનરલ સ્વેન ઓસ્ટબર્ગે કહ્યું કે, ગુજરાતમાં કુલ મળીને વિવિધ ક્ષેત્રે ૬૦ જેટલા સ્વીડિશ ઉદ્યોગ અને કંપનીઝ કાર્યરત છે તથા અંદાજે ૧૧ હજાર લોકોને રોજગાર અવસર પુરા પાડે છે.
