
સાઉથ કોરિયાના ગુમી ખાતેની 26મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે કુલ 24 મેડલ જીત્યાં હતાં. ગેમ્સના અંતિમ દિવસે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ત્રણ સિલ્વર અને એટલા જ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતાં. ભારતે આ ચેમ્પિયનશિપ 8 ગોલ્ડ, 10 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ મેળવ્યાં હતાં. ભારત મેડલ ટેલીમાં ચીન પછી બીજા ક્રમે રહ્યું હતું. જાપાન 5 ગોલ્ડ, 11 સિલ્વર અને 12 બ્રોન્ઝ સાથે ત્રીજા સ્થાને રહ્યું હતું. ચીને 19 ગોલ્ડ, 9 સિલ્વર, 4 બ્રોન્ઝ પ્રથમ ક્રમે રહ્યું હતું.
પારુલ ચૌધરીએ મહિલાઓની 5000 મીટર દોડમાં બીજો સિલ્વર મેડલ જીત્યો હતો. તે 15:15.33 સેકન્ડના સમય સાથે બીજા સ્થાને રહી હતી. તેને અગાઉ 3000 મીટર સ્ટીપલચેઝમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ભાલા ફેંકમાં સચિન યાદવે વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રયાસ સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો, જ્યારે અભિનયા રાજરાજન, સ્નેહા એસએસ, શ્રાબણી નંદા અને નિત્યા ગાંધેની મહિલા 4×100 મીટર રિલે ટીમે ભારતને અંતિમ સિલ્વર મેડલ અપાવ્યો હતો.
દોડવીર અનિમેષ કુજુરે પુરુષોની 200 મીટર દોડમાં 20.32 સેકન્ડનો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો અને ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અગાઉની આ ચેમ્પિયનશીપમાં ભારતે 27 મેડલ જીત્યાં હતા, પરંતુ ભારતીય ટુકડીએ સુવર્ણ ચંદ્રકોની સંખ્યામાં સુધારો કર્યો છે, જે 6થી વધીને 8 થયા હતાં.
