વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્વને ઉજાગર કરવા અને ડેરી ઉદ્યોગને ટેકો આપવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે ૧લી જૂનને “વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અનેક પોષકતત્વો ધરાવતું દૂધ માત્ર પૌષ્ટિક આહાર જ નહિ, પરંતુ પશુપાલન અને ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા કરોડો લોકોની આજીવિકાનું મહત્વપૂર્ણ માધ્યમ પણ છે. આજે વિશ્વનું દૂધ ઉત્પાદન દર વર્ષે ૨ (બે) ટકાના દરે વધી રહ્યું છે, જ્યારે ભારતનું દૂધ ઉત્પાદન દર વર્ષે ૫.૭ ટકાના દરે તેજ ગતિએ વધી રહ્યું છે. ભારતની કુલ GDPમાં લગભગ ૪.૫ ટકા જેટલો ફાળો ડેરી ઉદ્યોગ ક્ષેત્રનો છે.
ભારત વર્ષ ૧૯૯૮થી આજ દિન સુધી દૂધ ઉત્પાદન અને ડેરી વિકાસ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સર્વપ્રથમ રહ્યું છે. ભારત દેશ વાર્ષિક ૨૩૯ મિલિયન ટન જેટલા દૂધ ઉત્પાદન સાથે વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં ૨૫ ટકા જેટલો ફાળો ધરાવે છે. દર વર્ષે ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં તેજ ગતિએ વધારો થઇ રહ્યો છે. માત્ર છેલ્લા એક દાયકામાં જ દેશના દૂધ ઉત્પાદનમાં ૬૩ ટકા જેટલો વધારો નોંધાયો છે. આટલું જ નહિ, દેશમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધતા પણ છેલ્લા એક દાયકામાં ૪૮ ટકા વધીને આજે ૪૭૧ ગ્રામ પ્રતિ દિન થઇ છે.
ગુજરાત પણ આજે વાર્ષિક ૧૮ મિલિયન ટન દૂધ ઉત્પાદન સાથે ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં ૭.૫ ટકા જેટલો ફાળો આપી રહ્યું છે. છેલ્લા બે દાયકામાં ગુજરાત દૂધ ઉત્પાદનમાં ૧૧.૮ મિલિયન ટનના અભૂતપૂર્વ વધારા સાથે દેશમાં ચોથા સ્થાને પહોંચ્યું છે. આ બે દાયકા દરમિયાન રાજ્યના દૂધ ઉત્પાદનમાં સરેરાશ ૯.૨૬ ટકાનો વાર્ષિક વધારો નોંધાયો છે. આટલું જ નહિ, ગુજરાતમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધતા પણ છેલ્લા એક દાયકામાં ૩૮ ટકા વધીને આજે ૭૦૦ ગ્રામ પ્રતિ દિન થઇ છે.
