નેશનલ હેલ્થ સર્વિસ દ્વારા અગાઉ ખોલવામાં આવેલા સાત રસીકરણ કેન્દ્રો ઉપરાંત કોવિડ રોગચાળાને ડામવા માટે રગ્બી ગ્રાઉન્ડ, રેસકોર્સ, ફૂડ કોર્ટ અને કેથેડ્રલ સહિત દસ નવા રસી કેન્દ્રો આવતા અઠવાડિયે બ્રિટનભરમાં ખોલવામાં આવશે.

એક માઇલસ્ટોન તરીકે યુકેમાં રસીના વધુ 324,233 ડોઝ આપવામાં આવ્યા હતા જે સાથે રસી મેળવનારા લોકોની કુલ સંખ્યા 3.5 મિલીયન થઇ છે અને અત્યાર સુધીમાં 1 મિલિયન લોકોને રસી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જે પૈકી ત્રીજા કરતા વધુ વયના લોકો 80થી વધુ વય ધરાવે છે. હાલમાં 1,000 જનરલ પ્રેક્ટિસ (જી.પી.) સર્જરી અને 250થી વધુ હોસ્પિટલો અને ડઝન જેટલી હાઇસ્ટ્રીટ ફાર્મસીઓ કોરોનાવાયરસની રસી આપે છે.

હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે લોકોને રસીકરણ, ક્લિનિકલ ટ્રાયલ અને આરોગ્યની સચોટ સલાહ શેર કરવાના પ્રયત્નો દરમિયાન “મદદ કરવા”, “જોડાવા” અને “જાણકાર રહેવા” માટે ત્રણ પ્રતિજ્ઞાઓનું પાલન કરવા કટિબદ્ધ થવા જણાવ્યું હતું.

80 વર્ષથી વધુ વયના જે લોકો જી.પી. અથવા હોસ્પિટલો દ્વારા સંપર્ક થાય તેની રાહ જોવા માંગતા નથી તેમને માટે પણ અનુકૂળ વિકલ્પ અપાયો છે. નેશનલ બુકીંગ સર્વિસ યોજના હેઠળ તેઓ પોતાના ઘરથી 45 મિનિટ સુધીના અંતરે આવેલા 17 રસીકરણ કેન્દ્રો પૈકીના એક કે ફાર્મસી સાઇટ પર રસી લગાવી શકશે. NHSએ ગયા અઠવાડિયે 641,000 લોકોને રસી માટે આમંત્રણ મોકલ્યા હતા અને આ સપ્તાહમાં 380,000 લોકોને અને આવતા અઠવાડિયે બીજા અડધા મિલિયન લોકોને નિમંત્રણ પત્રો મોકલવામાં આવશે. લોકોને સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવા માટે કેન્દ્ર પર વહેલા આવી ન જવા કહેવામાં આવે છે.