પ્રતિક તસવીર (Photo by Pete Summers/Getty Images)

યુકેમાં એ-લેવલ અને GCSEના પરિણામો આ સમર એટલે કે જુલાઇ માસના અંત પહેલાં આપી દેવાય તેવી સંભાવના છે. પરીક્ષાઓ રદ કરાયા પછી એક્ઝામ વૉચડોગ ઓફકૉલ અને શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાયેલ પરામર્શ પછી પુષ્ટિ મળી છે કે શિક્ષકો વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરી ગ્રેડ નક્કી કરશે.

એજ્યુકેશન સેક્રેટરી ગેવિન વિલિયમ્સને કહ્યું હતું કે વિદ્યાર્થીઓને “એક ગ્રેડ મળશે જે તેમની ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે”. આ ઉપરાંત પરીક્ષા બોર્ડ દ્વારા સેટ કરાયેલા ટેસ્ટ પેપર આપવામાં આવે અને તેને શાળાના જ શિક્ષકો દ્વારા માર્ક કરવામાં આવે તેમજ જો કોઇ ગેરરીતી જણાય તો તેવા સંજોગોમાં તે પેપરને પાછળથી ચેક કરવામાં આવે તેવી પણ શક્યતાઓ છે. વોકેશનલ એક્ઝામમાં મોટે ભાગે લેખિત પેપર્સનો ઉપયોગ કરાય છે પરંતુ તેમાં પણ શિક્ષકોના ગ્રેડનો ઉપયોગ થવાની સંભાવના છે – પરંતુ જેમાં પ્રેક્ટીકલ ટેસ્ટની જરૂર હશે ત્યાં અલગ વ્યવસ્થા હશે.

ઑફકોલ અને શિક્ષણ વિભાગે પરિણામો અંગેનો નિર્ણય કેવી રીતે લેવો તે નક્કી કરવા બે અઠવાડિયાનું કન્સલ્ટેશન કર્યું હતું. જેમને સંતોષ નહિં હોય તેઓ અપીલ કરી શકશે અને પરિણામો વહેલા આપવાથી તેમાં વધારાનો સમય મળ્યો છે અને યુનિવર્સિટી શરૂ થવા માટે પણ વધુ સમય ઉમેરાશે. ગયા વર્ષે પરિણામો જાહેર કરતી વખતે મુશ્કેલી ઉભી થઇ હતી. આ વખતે કોઈ અલ્ગોરિધમ હશે નહીં અને શરૂઆતથી જ શિક્ષકોના ચુકાદા પર આધાર રાખવામાં આવશે જે માટે કોર્સવર્ક, એસે, હોમવર્ક અને મોક પરીક્ષા જેવા પુરાવાનો આધાર લેવામાં આવશે. ત્યાં ટેસ્ટ પેપર્સ અથવા મિનિ-ટેસ્ટની દરખાસ્તો છે, જેના પેપર્સ પરીક્ષકો દ્વારા સેટ કરાશે પરંતુ જે તે શાળાના શિક્ષકો દ્વારા જ તેનો ટેસ્ટ કરવામાં આવે તેવી સંભાવના છે.

ભણવામાં અવરોધના કારણે વિદ્યાર્થીઓને જે તે વિષયના ક્ષેત્રોમાં ભણાવવામાં આવ્યું નહિં હોય તો તેમને ટેસ્ટમાં તેનો સામનો કરવો નહીં પડે. બીટેક અને આઇજીસીએસઈ પરીક્ષાઓ હજી આ ઉનાળામાં ચાલુ રાખવાની યોજના છે. વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં એ-લેવલ અને જીસીએસઇની પરિક્ષા રદ કરવામાં આવી છે, અને સ્કોટલેન્ડમાં નેશનલ, હાયર્સ અને એડવાન્સ્ડ હાયર્સને પણ રદ કરવામાં આવી છે.