106% rainfall of the season with 35 inches in Gujarat
(ANI Photo)

ગુજરાતમાં ચોમાસાની આ સીઝનમાં મેઘરાજા મહેરમાન બન્યા છે. રાજ્યમાં 11 સપ્ટેમ્બર સુધીમાં સરેરાશ ૩૫ ઈંચ સાથે સીઝનનો ૧૦૬ ટકા વરસાદ નોંધાયો હતો. કચ્છ વિસ્તારમાં ૨૯ ઈંચ સાથે સીઝનનો ૧૬૧ ટકા વરસાદ નોંધાયો હતો. કચ્છ ઉપરાંત દક્ષિણ, ઉત્તર ગુજરાત એવા રીજન છે જ્યાં સીઝનનો સરેરાશ વરસાદ ૧૦૦ ટકાથી વધુ વરસાદ થયો હતો. આ ઉપરાંત રાજ્યમાં 12 સપ્ટેમ્બર સુધીના છેલ્લાં ત્રણ દિવસમાં ઠેરઠેર ગાજવીજ સાથે ભારે વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં ચોમાસુ ફરી સક્રિય બન્યું છે અને કાળા ડિબાંગ વાદળો સાથે દિવસે પણ રાતના અંધારા જેવો માહોલ ઊભો થાય છે.

11 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં ૭૨ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ વરસાદ થયો હતો દક્ષિણ ગુજરાતમાં ૬૭ ઈંચ સાથે ૧૧૫ ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં ૩૨ ઈંચ સાથે ૧૧૩ ટકા વરસાદ નોંધાયો હતો. બીજી તરફ વરસાદનું પ્રમાણ પૂર્વ મધ્ય ગુજરાતમાં ૮૬ ટકા અને સૌરાષ્ટ્રમાં ૯૪ ટકા રહ્યું હતું.

જિલ્લા વાર વલસાડમાં સૌથી વધુ ૧૧૦ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય ડાંગમાં ૫૭, નવસારીમાં ૮૫ ઈંચ વરસાદ થયો હતો. કુલ પાંચ તાલુકામાં સીઝનનો ૧૦૦ ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો હતો. જેમાં વલસાડ જિલ્લાના કપરાડામાં ૧૫૨ ઈંચ, ધરમપુરમાં ૧૨૧ ઈંચ, વાપીમાં ૧૦૮ ઈંચ વરસાદ નોંધાયો હતો. જોકે, રાજ્યમાં હજુ કેટલાક જિલ્લા એવા પણ છે જ્યાં હજુ વરસાદ ૧૦૦ ટકાથી વધ્યો નથી. જેમાં સુરેન્દ્રનગરમાં ૧૬ ઈંચ સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો. સૌથી ઓછો વરસાદ પડયો હોય તેવા જિલ્લામાં ૧૯ ઈંચ સાથે અમદાવાદનો પણ સમાવેશ થાય છે. અમદાવાદ જિલ્લામાંથી માત્ર અમદાવાદ શહેરમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે જ્યારે સાણંદમાં માત્ર ૧૨ ઈંચ સાથે સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો. તાલુકા પ્રમાણે જોવામાં આવે તો ૫૦ તાલુકામાં ૧૦થી ૨૦ ઈંચ જ્યારે ૧૨૮ તાલુકામાં ૨૦થી ૪૦ ઈંચ વરસાદ નોંધાયો હતો.

પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

બંગાળની ખાડી અને અરબ સાગરમાં સિસ્ટમ બની હોવાના ભારતીય હવામાન વિભાગે (IMD) આગામી 16મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓ રાજકોટ અને મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ખેડા, મહેસાણા, બનાસકાંઠા, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા અને ગીર-સોમનાથ જિલ્લાઓના વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

LEAVE A REPLY

four × 4 =