અમદાવાદ જિલ્લા કલેકટર ઓફિસ ખાતે શનિવારે પાકિસ્તાનથી સ્થળાંતરિત થઇને અમદાવાદમાં નિવાસ કરતા ૧૮ વ્યક્તિઓને ગૃહ રાજય પ્રધાન હર્ષ સંઘવીના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ અવસરે ભારતનું નાગરિકત્વ મેળવનારા સૌને અભિનંદન પાઠવતાં ગૃહ પ્રધાને કહ્યું હતું કે, તમે સૌ આજથી ભારતના નાગરિક બની ગયા છો, નવા ભારતનના સ્વપ્નને સાકાર કરવા માટે સાથે મળીને આપણે કામ કરવાનું છે. દેશની વિકાસયાત્રામાં સહભાગી બનવા માટે આપ સૌ પણ સંકલ્પબદ્ધ બનશો એવી અપેક્ષા છે. આ સંદર્ભમાં મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, આજે અમદાવાદ ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર મેળવનારા ૧૮ પરિવારોના ઘરોમાં દિવાળી જેવો માહોલ છે કેમ કે આજે તેઓ ભારતના નાગરિક બન્યા છે.
સમગ્ર દેશમાં અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૧૬૭ જેટલા હિન્દુ નિર્વાસિતોને ભારતનું નાગરિકત્વ આપવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૮ના ગેઝેટથી અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરોને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતી કોમના (હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી) લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવાની સત્તા મળેલી છે.

LEAVE A REPLY

one + one =