ભારતમાં શનિવારે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ છે ત્યારે જાણીતા પાર્શ્વ ગાયિકા અનુરાધા પૌડવાલ નવી દિલ્હી ખાતે ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયા પછી તેમણે કહ્યું હતું કે,, “મને ખુશી છે કે આજે હું એવા લોકો સાથે જોડાઈ રહી છું જેમનો સનાતન સાથે ઊંડો સંબંધ છે. મેં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભક્તિ ગીતો પણ ગાયા છે. રામલલાની સ્થાપના થઈ ત્યારે મને ત્યાં ગાવાનો મોકો મળ્યો, એ મારું સદનસીબ છે.” અનુરાધા પૌડવાલનો જન્મ 27 ઓક્ટોબર, 1952ના રોજ કર્ણાટકમાં કોંકણી પરિવારમાં થયો હતો. તેમણે વર્ષ 1973માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમણે પ્રથમવાર અભિમાન ફિલ્મમાં એક સંસ્કૃત શ્લોકનું ગાન કર્યું હતું. વર્ષ 1973માં તેમણે યશોદા સાથે મરાઠી સિનેમા ઈન્ડસ્ટ્રીમાં પણ પદાર્પણ કર્યું હતું. 1984માં તેમને ફિલ્મ ‘હીરો’ માટે ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા.
અનુરાધા પૌડવાલે હિન્દી, કન્નડ, રાજસ્થાની, પહાડી, મરાઠી, સંસ્કૃત, બંગાળી, ગુજરાતી, તમિલ, તેલુગુ, ઉડિયા, આસામી, પંજાબી, ભોજપુરી, નેપાળી અને મૈથિલી સહિત ઘણી ભાષાઓમાં ગીતો ગાયા છે. તેમણે હિન્દીમાં 8996 ગીતો અને મરાઠી સહિત અન્ય ભાષાઓમાં કેટલાક ગીતો ગાયા છે. અનુરાધા પૌડવાલ ભક્તિ સંગીતમાં લોકપ્રિય છે. તેમણે હિન્દી સહિત અનેક ભાષાઓમાં લગભગ 1500 ભજનો ગાયા છે.

 

LEAVE A REPLY

1 × 4 =