બે નવી કોરોનાવાયરસ રસીઓ ટૂંક સમયમાં મંજૂર થઈ શકે છે – એક નોવાવેક્સ અને બીજી જાન્સેન છે. જે ગંભીર બીમારી સામે રક્ષણ આપવા સાથે નવા સ્ટ્રેઇન સામે સારુ રક્ષણ આપતી હોય તેવું લાગે છે. બીજી તરફ રશિયાની સ્પુટનિક વી કોરોનાવાયરસ રસી, કોવિડ-19 સામે લગભગ 92% સુરક્ષા આપે છે અને હોસ્પિટલમાં દાખલ થવાના અને મૃત્યુ સામેના જોખમ સામે સંપૂર્ણ રક્ષણ આપે છે એમ ધ લેન્સેટમાં પ્રકાશિત કરાયું છે.
અંતિમ ટ્રાયલ ડેટા જાહેર કરતાં પહેલાં જ લોકોને આપવાનું શરૂ કરાતા સ્પુટનિક વી રસી વિવાદમાં આવી હતી. પરંતુ વૈજ્ઞાનિકોએ હવે તેનો ફાયદો દર્શાવ્યો છે. તે હવે ફાઈઝર, ઑક્સફર્ડ / એસ્ટ્રાઝેનેકા, મોડેર્ના અને જાન્સેન સાથે સાબિત થયેલી રસીઓની રેંકમાં જોડાઇ છે.
તે રસી કોલ્ડ-વાયરસનો ઉપયોગ કરે છે, વાયરસને ઓછો નુકસાનકારક કરવા તેને એન્જિનિયર્ડ કરી શરીરમાં તેનો એક નાનો અંશ રસી દ્વારા પહોંચાડવામાં આવે છે. આ રીતે વાયરસના આનુવંશિક કોડ સામે શરીર ખુલ્લું પડે છે અને તે બીમારીના ભય વગર વાયરસના જોખમને ઓળખે છે અને તેની સામે કઇ રીતે લડવું તે શરીરને શીખવે છે. રસી આપ્યા પછી, શરીર ખાસ રીતે કોરોનાવાયરસ અનુસાર એન્ટિબોડીઝનું ઉત્પાદન કરવાનું શરૂ કરે છે.
તેને 2 થી 8 ડિગ્રી સેલ્સીયસ તાપમાનમાં સ્ટોર કરી શકાય છે જે તેનું પરિવહન અને સ્ટોરેજ સરળ બનાવે છે. તેનો બીજો ડોઝ પ્રથમ કરતાં અલગ સંસ્કરણોનો ઉપયોગ કરે છે અને તેને 21 દિવસના અંતરે આપવામાં આવે છે. આ રસીની આડઅસરમાં કેટલાકને થાક લાગે છે કે તાવ આવી શકે છે.
રશિયા, આર્જેન્ટિના, પેલેસ્ટિનિયન પ્રદેશો, વેનેઝુએલા, હંગેરી, યુએઈ અને ઈરાન સહિત અન્ય ઘણા સ્થળોએ રસીનો ઉપયોગ કરવામાં આવે છે.
લેન્સેટ પેપર પર કરાયેલી પ્રકાશિત કોમેન્ટમાં પ્રો. ઇયાન જોન્સ અને પોલી રોયે સ્પુટનિક વીની રસી બનાવવા માટે અવિચારી ઉતાવળ, આસાન રસ્તા શોધવા અને પારદર્શિતાની ગેરહાજરીની ટીકા કરી છે.

            












