પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકામાં સૌથી સફળ કંપનીઓની વાર્ષિક સમીક્ષાના ભાગરૂપે અમેરિકન ઇમિગ્રેશન કાઉન્સિલે અમેરિકાના અર્થતંત્રમાં ઇમિગ્રન્ટ ઉદ્યોગસાહસિકો અને તેમના બાળકોના યોગદાનને હાઇલાઇટ કરતો એક નવો રીપોર્ટ 29 ઓગસ્ટ 2023એ જારી કર્યો હતો.

“ન્યૂ અમેરિકન ફોર્ચ્યુન 500 ઇન 2023: ધ લાર્જેસ્ટ અમેરિકન કંપનીઝ એન્ડ ધેર ઇમિગ્રન્ટ રૂટ્સ” નામના અહેવાલમાં બહાર આવ્યું છે કે 2023માં ફોર્ચ્યુન 500 કંપનીઓમાંથી 44.8% અથવા 224 કંપનીઓની સ્થાપના ઇમિગ્રન્ટ્સ અથવા તેમના બાળકો દ્વારા કરવામાં આવી હતી. આમાંથી 102 કંપનીઓની સ્થાપના વિદેશમાં જન્મેલા વ્યક્તિએ કરી હતી જ્યારે બીજી 121 કંપનીઓની સ્થાપના ઇમિગ્રન્ટ્સના બાળકોએ કરી હતી. આ રીપોર્ટમાં ઇમિગ્રન્ટ્સે સ્થાપેલી કંપનીઓને ન્યૂ અમેરિકન તરીકે ઓળખવામાં આવી છે.

અમેરિકન ઇમિગ્રેશન કાઉન્સિલે સૌ પ્રથમ 2011માં ન્યૂ અમેરિકન ફોર્ચ્યુન 500 રીપોર્ટ જારી કર્યો હતો. આ પછીથી તે કોર્પોરેટ અમેરિકા પર ઇમિગ્રન્ટ્સ સ્થાપકો અને તેમના વંશજોની અસર પર સતત ટ્રેક રાખે છે. આ રીપોર્ટમાં ફોર્ચ્યુન મેગેઝિનની અમેરિકાની સૌથી મોટી 500 કંપનીઓની યાદીનો આધાર લેવામાં આવ્યો છે. આના આધારે વિશ્લેષણ કરાયું હતું કે આમાંથી કેટલી કંપનીઓની સ્થાપના ઇમિગ્રેન્ટ અથવા ઇમિગ્રન્ટના બાળકોએ કરી છે તથા અમેરિકા અને વૈશ્વિક ઇકોનોમીમાં આ કંપનીઓનું યોગદાન કેટલું છે.

આ ન્યૂ અમેરિકન ફોર્ચ્યુન 500 કંપનીઓએ નાણાકીય વર્ષ 2022માં કુલ 8.1 ટ્રિલિયન ડોલરની આવક નોંધાવી હતી. જે કેટલાંક વિકસિત દેશોની જીડીપી કરતાં વધુ છે. તેમનું નોંધપાત્ર યોગદાન આવક પણ વિશેષ છે કારણ કે આ કંપનીઓ 14.8 મિલિયનથી વધુ લોકોને રોજગારી આપે છે. આમ આ કંપનીઓ નોકરીના સર્જન અને આર્થિક સમૃદ્ધિમાં મહત્ત્વનું ચાલકબળ પણ છે.

અમેરિકન ઇમિગ્રેશન કાઉન્સિલના વરિષ્ઠ ડેટા સાયન્ટિસ્ટ સ્ટીવન હુબાર્ડે જણાવ્યું હતું કે “આ ન્યૂ અમેરિકન ફોર્ચ્યુન 500 કંપનીઓ ઇમિગ્રન્ટ્સની અસાધારણ ઉદ્યોગસાહસિક ભાવનાના પ્રમાણપત્ર તરીકે ઊભી છે.  ઇમિગ્રન્ટ્સ લાંબા સમયથી આર્થિક ઉત્પ્રેરક છે, જે સમગ્ર ઉદ્યોગોમાં ઇનોવેશન અને ગ્રોથને વેગ માટે જાણીતા છે.”

વધુમાં, અહેવાલ આ ન્યૂ અમેરિકન ફોર્ચ્યુન 500 કંપનીઓની રાજ્ય-સ્તરની અસર દર્શાવે છે. ન્યૂયોર્ક સૌથી વધુ કંપનીઓ (30) સાથે રાજ્યોમાં આગળ છે, આ પછી કેલિફોર્નિયા (24), ટેક્સાસ, ઇલિનોઇસ, ફ્લોરિડા અને વર્જિનિયા આવે છે. આ કંપનીઓ સામૂહિક રીતે રાજ્યની અર્થવ્યવસ્થાને આકાર આપે છે, કેટલાક કિસ્સાઓમાં આવક રાજ્યના GDPના નોંધપાત્ર હિસ્સા કરતાં વધી જાય છે.

 

LEAVE A REPLY