અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક દાવો કરતાં જણાવ્યું હતું કે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના લશ્કરી સંઘર્ષ દરમિયાન પાંચ જેટ તોડી પાડવામાં આવ્યાં હતાં. જોકે કયા દેશના વિમાનો તોડી પાડવામાં આવ્યાં હતા કે તેઓ સંયુક્ત નુકસાનનો ઉલ્લેખ કરી રહ્યાં છે તે અંગે ટ્રમ્પે કોઇ સ્પષ્ટતા કરી ન હતી.
અહીં ઉલ્લેખનીય છે કે પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું અને પાકિસ્તાનમાં આતંકવાદી અડ્ડાઓને નિશાન બનાવ્યાં હતાં. આ સંઘર્ષ ચાર દિવસ ચાલ્યો હતો અને 10 મેના રોજ લશ્કરી કાર્યવાહી બંધ કરવા અંગેની સમજૂતી થઈ હતી.
ટ્રમ્પે શુક્રવારે વ્હાઇટ હાઉસમાં રિપબ્લિકન સેનેટરો માટે આયોજિત રાત્રિભોજનમાં જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી સંઘર્ષ થયો હતો. આ સંઘર્ષમાં ચાર પાંચ કે પાંચ વિમાનો હવામાં તોડી પાડવામાં આવ્યાં હતાં. પરંતુ મને લાગે છે કે ખરેખર પાંચ જેટ તોડી પાડવામાં આવ્યા હતાં, તે વધુને વધુ ખરાબ થઈ રહ્યું હતું. આ સંઘર્ષ આગળ વધશે તેવું લાગતું હતું અને બે પરમાણુ રાષ્ટ્રો હતાં અને તેઓ એકબીજા પર હુમલો કરી રહ્યાં હતાં.
પાકિસ્તાન સામેના ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે વિમાનોના નુકસાનનો સ્વીકાર કર્યો હતો, પરંતુ તેની વિગતો આપવાનું ટાળ્યું હતું. બીજી તરફ પાકિસ્તાને ભારતના છ જેટ તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો હતો, પરંતુ કોઇ પુરાવા આપ્યા ન હતાં. પાકિસ્તાનના આવા દાવાને ભારતના લશ્કરી દળોએ નકારી કાઢ્યો હતો.
અગાઉ 31 મેએ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે સિંગાપોરમાં જણાવ્યું હતું કે ભારતને સંઘર્ષમાં વિમાનોનું નુકસાન થયું છે, પરંતુ તેમણે સંખ્યાના સંદર્ભમાં નુકસાનનો ઉલ્લેખ કરવાનો ઇનકાર કર્યો હતો. આ ટોચના લશ્કરી અધિકારીએ જણાવ્યું હતું કે ભારતીય સૈન્યે રણનીતિ સુધારો કર્યા પછી પાકિસ્તામાં ઘૂસીને હુમલો કર્યો હતો. તે સમયે જનરલ ચૌહાણે છ ભારતીય જેટ તોડી પાડવાના પાકિસ્તાનના દાવાને સંપૂર્ણ ખોટો ગણાવીને ફગાવી દીધો હતો.
ભારત-પાક વચ્ચે યુદ્ધવિરામના પોતાના દાવાનું રટણ ચાલુ રાખતા ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન લડાઈ કરી રહ્યાં હતાં. આ લડાઈને વધુ મોટી થઈ રહી હતી અને અમે તેનો વેપાર દ્વારા ઉકેલ લાવી દીધો. અમે કહ્યું કે તમે લોકો વેપાર સોદો કરવા માંગો છો. જો તમે શસ્ત્રો અને કદાચ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાના છો તો અમે વેપાર સોદો કરીશું નહીં.
ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે તેમના વહીવટીતંત્રે છ મહિનામાં એટલું બધું હાંસલ કર્યું જેટલું લગભગ કોઈ પણ અન્ય વહીવટીતંત્ર આઠ વર્ષમાં કરી શક્યું નથી. એક એવી વાત જેના પર મને ખૂબ ગર્વ છે, અમે ઘણા બધા યુદ્ધો અટકાવ્યા છે, ઘણા બધા યુદ્ધો અને આ ગંભીર યુદ્ધો હતા.
ભારતે અગાઉ ટ્રમ્પના આ દાવાને નકારી કાઢતાં જણાવ્યું હતું કે બંને પક્ષોએ અમેરિકાની મધ્યસ્થી વિના તેમના સૈન્ય વચ્ચે સીધી વાટાઘાટો બાદ તેમની લશ્કરી કાર્યવાહી બંધ કરી હતી.
દેશને સત્ય જાણવાનો હક, મોદી સંસદમાં નિવેદન આપેઃ કોંગ્રેસ
પાંચ જેટ તોડી પાડવામાં આવ્યા હતાં તેવા ટ્રમ્પના દાવા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે આ અંગે સ્પષ્ટતાની માગણી કરીને જણાવ્યું હતું કે દેશને સત્ય જાણવાનો અધિકાર છે.
રાહુલ ગાંધીની સોશિયલ મીડિયા પોસ્ટ પર તીખી પ્રતિક્રિયા આપતા, ભાજપના આઇટી સેલના વડા અમિત માલવિયાએ કોંગ્રેસના નેતા પર ભારત વિરોધી લાગણીઓ ફેલાવવાનો આક્ષેપ કર્યો હતો. માલવિયાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની માનસિકતા દેશદ્રોહી જેવી છે. તેમણે દલીલ કરી હતી કે ટ્રમ્પે પાંચ જેટ વિમાનોને તોડી પાડવાની વાત કરતી વખતે ક્યારેય સ્પષ્ટપણે ભારતનો ઉલ્લેખ કર્યો નથી, અને રાહુલ ગાંધીએ એવું કેમ માની લીધું કે ભારતના વિમાનો તોડી પાડવામાં આવ્યાં હતાં.?
વડાપ્રધાનના મૌન પર સવાલ ઉઠાવતા કોંગ્રેસે એવી પણ માગણી કરી હતી કે છેલ્લા 70 દિવસોમાં ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર અમેરિકન નેતાના કરેલા દાવાઓ પર વડાપ્રધાન મોદીએ સંસદમાં સ્પષ્ટ નિવેદન આપવું જોઇએ. X પરની પોસ્ટમાં રાહુલ ગાંધીએ લખ્યું હતું કે મોદીજી, પાંચ જેટ વિશે સત્ય શું છે? દેશને જાણવાનો અધિકાર છે. કોંગ્રેસના મહાસચિવ અને પ્રભારી (દૂરસંચાર) જયરામ રમેશે જણાવ્યું હતું કે સંસદના ચોમાસુ સત્ર શરૂ થાય તેના બે દિવસ પહેલા, 24મી વખત ટ્રમ્પ મિસાઇલ છોડવામાં આવી છે.
