પાકિસ્તાન સાથેની તંગદિલી વચ્ચે ભારતીય ક્રિકેટ બોર્ડે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટુર્નામેન્ટને સ્થગિત કરવાની શુક્રવારે જાહેરાત કરી હતી, જેના કારણે સિઝનના અંતના બે અઠવાડિયા પહેલા સૌથી ધનિક ટુર્નામેન્ટ મોકૂફ રહી છે.
બોર્ડના સભ્યો ખાસ કરીને ખેલાડીઓની સલામતી અને સંઘર્ષ દરમિયાન આવી ક્રિકેટ મેચો થવી યોગ્ય છે કે કેમ તે અંગે ચિંતિત હતાં. IPLએ જણાવ્યું હતું કે મોટાભાગની ફ્રેન્ચાઇઝીઓના પ્રતિનિધિઓ, બ્રોડકાસ્ટર્સ અને ચાહકોના મંતવ્યો પછી આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલે આ નિર્ણય કર્યો હતો.
આ ટુર્નામેન્ટની વર્તમાન સિઝન 22 માર્ચે શરૂ થઈ હતી, અને ફાઇનલ મેચ 25 મેના રોજ રમાવાની હતી, જેમાં દેશભરના 13 સ્થળોએ મેચો યોજાવાની હતી.ભારતના સરહદી વિસ્તારોમાં લડાઈ ફાટી નીકળ્યા બાદ ગુરુવારે IPL મેચ અધવચ્ચે જ રદ કરવામાં આવી હતી. IPL 2025 માં 58 મેચ પૂર્ણ થઈ ગઈ છે, અને 25 મે ના રોજ યોજાનારી પ્લેઓફ અને ફાઇનલ સહિત 16 મેચ હજુ પણ રમવાની બાકી છે. 9 મેના રોજ, ગુજરાત ટાઇટન્સ IPL 2025 પોઈન્ટ ટેબલમાં 11 રમતોમાં 16 પોઈન્ટ સાથે +0.793 ના નેટ રન રેટ સાથે મોખરે છે.
