4% increase in dearness allowance of central employees pensioners
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતમાં બીજા રાજ્યોની તુલનામાં આર્થિક રીતે સમૃદ્ધ ગણાતા ગુજરાતમાં કરોડપતિઓની સંખ્યા વધતી જાય છે. ઈન્કમ ટેક્સની ચુકવણીના ડેટા દર્શાવે છે કે છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં કરોડપતિ કરદાતાઓ વધ્યાં છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)ના ડેટા મુજબ વર્ષ 2022-23માં ગુજરાતમાં કરોડપતિ કરદાતાની સંખ્યા 49 ટકા વધી છે. એક નાણાકીય વર્ષમાં જેમની કરપાત્ર આવક એક કરોડ કરતા વધુ હોય તેમને કરોડપતિ કરદાતાની કેટેગરીમાં મુકવામાં આવે છે. 2021માં રાજ્યમાં 9,300 લોકો આ કેટેગરીમાં આવતાં હતાં, જ્યારે 2022માં આ સંખ્યા વધીને આશરે 14,000 સુધી પહોંચી ગઈ છે. એટલે કે એક વર્ષમાં કરોડોપતિઓની સંખ્યામાં 4500નો વધારો થયો છે. 

અગાઉના વર્ષોની સાથે સરખામણી કરવામાં આવે તો છેલ્લા એક વર્ષમાં એક કરોડથી વધુ ટેક્સેબલ ઈન્કમ ધરાવતા લોકો વધ્યા છે.  છેલ્લા પાંચ વર્ષનો ડેટા જોવામાં આવે તો ગુજરાતમાં અત્યારે સૌથી વધુ કરોડપતિ કરદાતા છે તેમ કહી શકાય. કારણ કે અગાઉના વર્ષોમાં આ સંખ્યા માત્ર 7000 હતી જે હવે 14,000 સુધી પહોંચી છે. છેલ્લા પાંચ વર્ષની એવરેજ જોવામાં આવે તો સરેરાશ 8200 કરોડપતિ કરદાતા નોંધાયા છે. તેમાંથી કોર્પોરેટ કેટેગરીમાં પણ 1000નો વધારો થયો હતો. કોર્પોરેટ કેટેગરીના કરોડપતિ કરદાતાની સંખ્યા 3700થી વધીને 4700 થઈ છે. એટલે કે આ કેટેગરીમાં કરોડપતિઓની સંખ્યા 28 ટકા વધી છે. 

નોન-કોર્પોરેટ કેટેગરીમાં ગુજરાતમાં ઓવરઓલ ટેક્સ બેઝમાં 4 ટકાનો વધારો થયો છે. 2021-22માં રાજ્યમાં 71.2 લાખ ટેક્સપેયર હતા જેની સંખ્યા વધીને લેટેસ્ટ વર્ષમાં 73.8 લાખ થઈ છે. પાંચ વર્ષ અગાઉના આંકડા પ્રમાણે ગુજરાતમાં 62.5 લાખ લોકોને ટેક્સ બેઝ હતો. 

ગુજરાતમાંથી જે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા તેના ડેટા મુજબ 94 ટકા લોકોએ રૂ. 10 લાખ સુધીની આવક દર્શાવી છે. આ કેટેગરીના કરદાતાઓની સંખ્યામાં બે ટકાનો વધારો થયો છે જ્યારે 10 લાખથી વધારે આવક દેખાડનારા કરદાતાઓની સંખ્યા 29 ટકા વધીને 3.35 લાખમાંથી 4.33 લાખ થઈ છે. 

નિષ્ણાતો જણાવે છે કે છે કે ઉચ્ચ કરપાત્ર આવક ધરાવતા લોકોની સંખ્યા વધવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ડાયરેક્ટ ટેક્સ કમિટીના ચેરમેન જૈનિક વકીલે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી કોર્પોરેટ ટેક્સ ઘટ્યો છે અને જીએસટીના કારણે પણ પરિવર્તન આવ્યું છે. તેથી વધુ ઉંચા કોર્પોરેટ રિટર્નનું આ એક કારણ છે. આ ઉપરાંત એન્યુઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટને પણ હાયર ઈન્કમ બ્રેકેટમાં વધુ રિટર્ન ફાઈલ થવા માટેનું કારણ ગણી શકાય. ઈન્ટરનેશનલ ટેક્સ એક્સપર્ટ મુકેશ પટેલે જણાવ્યું કે ઈન્કમટેક્સ પેમેન્ટમાં આઈટીનો ઉપયોગ અને ફેસલેસ એસેસમેન્ટ સ્કિમના કારણે પારદર્શિતા વધી છે અને ટેક્સના નિયમોનું વધારે કોમ્પ્લાયન્સ થાય છે. ગુજરાતમાં કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ, રોકાણકારો અને યુવાન પ્રોફેશનલોના કારણે કરદાતાઓની સંખ્યામાં વધારો થયો છે જેઓ પોતાની વધતી ઈન્કમને ડિકલેર કરી રહ્યા છે.

LEAVE A REPLY

five × one =