મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના સપ્તશ્રૃંગી ટેકરીઓ પરના મંદિર પાસે રવિવાર, 8 ડિસેમ્બરે થયેલા માર્ગ અકસ્માતમાં કચ્છી પટેલ સમાજના છ લોકોના મોત થયાં હતાં. શ્રદ્ધાળુઓ સપ્તશ્રૃંગી મંદિર જઈ રહ્યાં હતાં ત્યારે તેમની ઇનોવા કાર નંદુરી ગઢ વિસ્તારમાં લગભગ 600 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.
કાલવાન પોલીસે જણાવ્યું હતું કે શ્રદ્ધાળુઓ મંદિર તરફ જઈ રહ્યાં હતા ત્યારે ભવારી ધોધ નજીક તેમના MH 15 BN 0555 નંબરના ઇનોવા વાહન ડ્રાઇવરે કાબુ ગુમાવી દીધો હતો. વાહન બીજી કારને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે રસ્તાની બાજુમાં આવેલા અવરોધ સાથે અથડાયું અને ખાડામાં ઉતરી ગયું હતું.
મૃતકોની ઓળખ કીર્તિ પટેલ (૫૦), રસીલા પટેલ (૫૦), વિકલ પટેલ (૬૦), પવન પટેલ (૬૦), લતા પટેલ (૬૦) અને મણિબહેન પટેલ (૭૦) તરીકે થઈ છે. તે બધા પિંપળગાંવ બસવંતના રહેવાસી હતાં.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાને અત્યંત દુ:ખદ ગણાવી હતી અને કહ્યું હતું કે દરેક મૃતકના પરિવારને રાજ્ય સરકાર તરફથી 5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો.













