પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર અબ્દુલ રઝાકે ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનની ટીમના ખરાબ પ્રદર્શનની ટીકા કરતી વખતે ભારતીય અભિનેત્રી ઐશ્વર્યા રાયનું અપમાન કરતાં ભારે વિવાદ સર્જાયો હતો.
રઝાકની ટિપ્પણીનો સોશિયલ મીડિયામાં ભારે વિરોધ થયો હતો. બંને દેશોના ક્રિકેટરોએ પણ તેની ટીપ્પણીની આલોચના કરી હતી. ટિપ્પણીઓ પર વિવાદ થતાં નિવૃત્ત ક્રિકેટરે માફી માંગી હતી અને જણાવ્યું હતું કે તેમની જીભની લપસી ગઈ હતી.
રઝાક એક પાકિસ્તાની ટીવી ચેનલ પર દેખાયો હતો અને આ બાબતે જાહેર માફી માગતા જણાવ્યું હતું કે “ગઈકાલે અમે ક્રિકેટ કોચિંગ અને ઈરાદાઓ વિશે વાત કરી રહ્યાં હતાં. મારી જીભ લપસી ગઈ હતી અને ભૂલથી ઐશ્વર્યા રાયનું નામ લઈ લીધું હતું. હું તેની અંગત રીતે માફી માંગુ છું. મારો કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો.”
શાહિદ આફ્રિદી અને ઉમર ગુલ જેવા ક્રિકેટરોની હાજરી વચ્ચે એક પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનની ટીમના ખરાબ દેખાવની ટીકા કરતાં રઝાકે જણાવ્યું હતું કે મારા મતે આપણે ખરેખર ખેલાડીઓને સુધારવાનો ઈરાદો ધરાવતા નથી. જો તમે માનતા હોવ કે સારા બાળકો પેદા કરવા માટે હું ઐશ્વર્યા (રાય) સાથે લગ્ન કરીશ તો ખેલાડીઓના દેખાવમાં ક્યારેય સુધારો થશે નહીં. તેથી તમારે પહેલા તમારામાં ઇરાદામાં સુધારો કરવો જોઇએ. આ ટીપ્પણી સમયે બાજુમાં બેઠેલા શાહિદ આફ્રિદી અને ઉમર ગુલ હસતા હતાં.