જમણેરી સંગઠન શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના વડા સુખદેવ સિંહ ગોગામેડીની મંગળવારે જયપુરમાં ત્રણ સશસ્ત્ર હુમલાખોરોએ તેમના ઘરમાં જ ગોળી મારીને હત્યા કરી હતી. ગોગામેડીના અંગરક્ષકોએ કરેલા વળતા ફાયરિંગમાં એક હુમલાખોરનું મોત થયું હતું. આ ફાયરિંગની ઘટનામાં ગોગામેડીના એક સુરક્ષા ગાર્ડને પણ ગોળી વાગી હતી. ગોગામેડી પર હુમલાના સમાચાર મળતાની સાથે જ તેમના સમર્થકો અને રાજપૂત સમુદાયના સભ્યો તેમના ઘરે અને હોસ્પિટલમાં મોટી સંખ્યામાં એકઠા થવા લાગ્યાં હતા.
હુમલાખોરો મળવાના બહાને શ્યામ નગર વિસ્તારમાં ગોગામેડીના ઘરે ગયાં હતાં અને આ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
શ્રી રાજપૂત કરણી સેનાના સ્થાપક લોકેન્દ્ર સિંહે કાલવી સાથે મતભેદને પગલે ગોગામેડીની 20215માં આ સંગઠનમાં હકાલપટ્ટી કરી હતી. આ પછી તેમણે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની રચના કરી હતી. આ બંને સંગઠનોએ 2018માં દીપિકા પાદુકોણ અભિનીત “પદ્માવત” સામે રાજપૂત સમુદાય અંગેના ઐતિહાસિક તથ્યોની કથિત વિકૃતિને લઈને ભારે વિરોધ કર્યો હતો.
જયપુરના પોલીસ કમિશ્નર બિજુ જ્યોર્જ જોસેફે પત્રકારોને જણાવ્યું હતું કે ત્રણ વ્યક્તિઓ ગોગામેડીના ઘરે ગયાં હતાં અને તેમના સુરક્ષા ગાર્ડને કહ્યું કે તેઓ તેમને મળવા માંગે છે. ગાર્ડ તેમને અંદર લઈ ગયા હતા અને આ હુમલાખોરોએ 10 મિનિટ સુધી ઘરમાં વાતચીત કરી હતી અને પછી ગોળીબાર કર્યો હતો. વળતા ગોળીબારમાં એક હુમલાખોરનું મોત થયું હતું. તેની નવીન સિંહ શેખાવત તરીકે ઓળખ થઈ હતી. બીજા બે હુમલાખોરોએ સ્કૂટી પર ભાગી જવામાં સફળ થયા હતાં. તેમણે સ્કૂટી પણ બંદૂકની અણીએ છીનવી લીધું હતું. પોલીસ અન્ય બે આરોપીઓને ઓળખવાનો અને તેમને શોધવાનો પ્રયાસ કરી રહી છે. હત્યાના પ્લાનિંગમાં સામેલ લોકો પણ પકડાઈ જશે.
પ્રાથમિક માહિતી મુજબ શેખાવત એક દુકાન ચલાવતો હતો. ગોગામેડીના એક સંબંધીએ હોસ્પિટલની બહાર પત્રકારોને જણાવ્યું કે તેમને ઘણા સમયથી ધમકીઓ મળી રહી હતી અને હુમલાનો ભય હતો. પોલીસને ધમકીઓ અંગે જાણ કરવામાં આવી હતી. ગોગામેડીના સમર્થકોએ હોસ્પિટલની બહાર શિપ્રા પથ રોડને બ્લોક કરી દીધો હતો અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી.













