સુપ્રીમ કોર્ટે ગયા સપ્તાહે બુધવારે (29 નવેમ્બર) કહ્યું હતું કે કોઇ પણ પ્રકારની નફરત ફેલાવનારા ભાષણો સામે કાર્યવાહી જરૂર થવી જોઇએ. હેટ સ્પીચ મુદ્દે થયેલી અરજીઓની સુનાવણી દરમિયાન સુપ્રીમે આ ટીપ્પણી કરી હતી. આ અરજીઓમાં નફરતભર્યા ભાષણો સામે એક પ્રશાસનિક માળખુ તૈયાર કરવાની માંગણી કરાઇ છે.
આગામી વર્ષે ફેબ્રુઆરીમાં આ અરજીઓની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ તૈયાર થઇ છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંજીવ ખન્નાની અધ્યક્ષતા હેઠળની બેંચે કહ્યું હતું કે અમે ઘૃણા ફેલાવનારા ભાષણોની સમસ્યાની દેશભરમાં દેખરેખ રાખી શકીએ નહીં. ભારત જેવા મોટા દેશમાં સમસ્યાઓ તો હોય છે પણ સવાલ થવો જરૂરી છે કે શું આપણી પાસે આ નફરત ભર્યા ભાષણોને પહોંચી વળવા માટે કોઇ પ્રશાસનિક તંત્ર છે?
મામલાની આગામી વર્ષે ફેબ્રુઆરીમાં સુનાવણી માટે સહમત થયેલી સુપ્રીમની બેંચે કહ્યું હતું કે સમાજને એ જાણકારી હોવી જોઇએ કે જો કોઇ કાયદાનું ઉલ્લંઘન કરાય એ પછી કાર્યવાહી પણ થશે. અમે આવી કાર્યવાહીઓ દેશભરમાં ના કરાવી શકીએ નહીં તો દરરોજ અરજીઓ આવવા લાગશે. જોકે સુપ્રીમે એક પ્રશાસનિક તંત્રની વ્યવસ્થા માટે સહમતી વ્યક્ત કરી હતી.