અમેરિકન રિટેલ જાયન્ટ વોલમાર્ટ ચીન પરની નિર્ભરતા ઘટાડવા માટે ભારતમાંથી આયાત વધારી રહી છે. કંપનીએ ખર્ચમાં ઘટાડો કરવા માટે વિવિધ કવાયત કરી છે જેના ભાગરૂપે તે ભારતમાંથી આયાત વધારી રહી છે અને તેની સપ્લાય ચેઈન પણ ડાઈવર્સિફાઈ કરી રહી છે.

રોઈટર્સના ડેટા અનુસાર ચાલુ કેલેન્ડર વર્ષમાં જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન વોલમાર્ટે તેની 25 ટકા આયાત ભારતમાંથી કરી હતી. 2018માં તેની ભારતમાંથી આયાત માત્ર 2 ટકા હતી. બીજી તરફ ચીનમાંથી વોલમાર્ટની આયાત આ ગાળામાં 60 ટકા રહી હતી, જે 2018માં 80 ટકા હતી.

જોકે હજી પણ વોલમાર્ટ માટે આયાતના સ્રોત તરીકે ચીન સૌથી મોટો દેશ છે તે પણ હકીકત છે. પરંતુ ચીનમાંથી અમેરિકામાં આયાતનો ખર્ચ વધી રહ્યો છે અને બીજી તરફ બન્ને દેશો વચ્ચે રાજકીય સ્તર પર ઘર્ષણ પણ વધી ગયું છે જેને કારણે અમેરિકાની મોટી કંપનીઓ ચીન પરની નિર્ભરતા ઘટાડીને ભારત, થાઈલેન્ડ, વિયેતનામ જેવા દેશો તરફ નજર દોડાવી રહી છે.

વોલમાર્ટના સોર્સિંગ વિભાગના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ એન્ડ્રીયા અલબ્રાઈટે કહ્યું હતું કે ‘અમે બેસ્ટ પ્રાઈસ ઈચ્છીએ છીએ. તેને કારણે અમારે સપ્લાય ચેઈન મજબૂત કરવી જરૂરી છે. હું કોઈ એક જ સપ્લાય કે એક જ જ્યોગ્રાફી ધરાવતા દેશ પર આધાર રાખી ન શકું. વાવાઝોડું, ભૂકંપ જેવી ઘટનાઓને કારણે રો મટીરિયલની તંગી ન સર્જાય તેની સતત તકેદારી રાખવી પડે છે.’

વોલમાર્ટે જોકે એમ પણ કહ્યું કે તે વધુ ને વધુ સ્રોત ઊભા કરી રહી છે આથી કોઈ એક સોર્સ માર્કેટ પરની નિર્ભરતા ઓછી કરી રહ્યા છીએ તેવું પણ નથી. અલબ્રાઈટે કહ્યું કે ભારત મેન્યુફેક્ચરિંગ ક્ષમતા ઊભી કરવાના વોલમાર્ટના પ્રયાસમાં મહત્વના દેશ તરીકે ઊભર્યો છે.

વોલમાર્ટ ભારતમાં ગ્રોથ વધારી રહી છે. તેણે 2018માં ભારતીય ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટમાં 77 ટકા હિસ્સો ખરીદ્યો હતો. તેના બે વર્ષ પછી તેણે જાહેરાત કરી હતી કે ભારતમાં 2027 સુધીમાં તે 10 અબજ ડોલરનું રોકાણ કરશે. આ ટારગેટ જળવાય તે દિશામાં કંપની આગળ વધી રહી હોવાનું અલબ્રાઈટે કહ્યું હતું. હાલમાં ભારતમાંથી વોલમાર્ટ વાર્ષિક 3 અબજ ડોલરની પ્રોડક્ટ્સની આયાત કરી રહી છે.

અલબ્રાઈટે કહ્યું હતું કે વોલમાર્ટ ભારતમાંથી રમકડાંથી લઈને ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સથી લઈને સાઈકલ અને ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સની આયાત કરે છે. ભારતમાંથી પેકેજ્ડ ફૂડ, ડ્રાઈ ગ્રેઈન્સ (અનાજ) અને પાસ્તા આયાત થતી લોકપ્રિય પ્રોડક્ટ્સ છે તેમ તેમણે કહ્યું હતું.

એસ એન્ડ પી ગ્લોબલ માર્કેટ ઈન્ટેલિજન્સના સપ્લાય ચેઈન એનાલિસીસ ગ્રુપના રિસર્ચ એનલિસ્ટે કહ્યું હતું કે ચીનમાંથી સપ્લાય ઓછું સ્પર્ધાત્મક બન્યું છે કારણ કે લેબર કોસ્ટ વધ્યો છે. ચીનમાં મિનિમમ વેતનમાં ફેરફાર થયા છે અને તે દરેક શહેર અને પ્રાંતમાં અલગ-અલગ છે જે માસિક 198.52 ડોલરથી લઈને 376.08 ડોલર સુધી છે. જ્યારે ભારતમાં અનસ્કિલ્ડ અને સેમિ-સ્કિલન્ડ વર્કર્સનું સરેરાશ વેતન 108.04 ડોલરથી લઈને 180.06 ડોલરનું છે.

અલબ્રાઈટે કહ્યું હતું કે ‘ભૌગોલિક-રાજકીય ઈવેન્ટ સામે પ્લાનિંગ એ વાવાઝોડાં જેવી કુદરતી આફતો સામે પ્લાનિંગ જેવું છે. મારી પ્રોડક્ટ્સ જ્યાંથી આવી રહી છે તેના પર મારું નિયંત્રણ રાખવાની તકેદારી લઉં છું અને ગમે ત્યાં ગમે તે થાય તો પણ ક્રિસમસમાં સપ્લાય ચેઈન પર અસર ન થાય તેની તકેદારી લઉં છું.’

LEAVE A REPLY

20 − twenty =