યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી (એચએસએ) એ જણાવ્યું હતું કે જીપી સર્જરીમાં કરાયેલા ટેસ્ટ બાદ યુકેમાં પ્રથમ વખત એક વ્યક્તિમાં સ્વાઈન ફ્લૂનો નવો સ્ટ્રેઇન જોવા મળ્યો છે અને તે ચેપ અન્ય માનવોમાં ફેલાવાની સંભાવના નક્કી કરવા માટે તે વ્યક્તિના નજીકના સંપર્કોની તપાસ કરવામાં આવી રહી છે. તે વ્યક્તિનો નજીકથી સંપર્ક રાખતા લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા છે.
યુકેએચએસએના ઇન્સીડન્ટ ડાયરેક્ટર અને ભારતીય મૂળના માઇક્રોબાયોલોજિસ્ટ ડૉ. મીરા ચંદે જણાવ્યું હતું કે, “યુકેમાં પ્રથમ વખત અમે મનુષ્યોમાં આ વાઇરસ શોધી કાઢ્યો છે, જો કે તે ડુક્કરમાં જોવા મળતા વાઇરસ જેવો જ છે. અમે કોઈપણ સંભવિત ફેલાવાને ઘટાડવા માટે ઝડપથી કામ કરી રહ્યા છીએ. તે વ્યક્તિએ ચેપ કેવી રીતે મેળવ્યો તે જાણવા માટે અને અન્ય કોઈ સંકળાયેલા કેસ છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવા માટે તપાસ ચાલી રહી છે. નિયમિત ફ્લૂ સર્વેલન્સ અને જીનોમ સિક્વન્સિંગને કારણે ઈન્ફ્લુએન્ઝા A(H1N2)v નામના નવા વાઇરસ સ્ટ્રેનની વહેલી શોધ થઈ છે.’’
UKHSAના ચીફ વેટરનરી ઓફિસર ક્રિસ્ટીન મિડલમિસે જણાવ્યું હતું કે ‘’પ્રાણીઓના આરોગ્ય, કલ્યાણ અને જૈવ સુરક્ષાના ઉચ્ચ ધોરણો ખૂબ મહત્વપૂર્ણ છે જેથી અમે દરેકને સુરક્ષિત રાખવા માટે સાથે મળીને કામ કરીએ છીએ.’’
UKHSA પરિસ્થિતિનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યું છે અને નોર્થ યોર્કશાયરના ભાગોમાં GP સર્જરી અને હોસ્પિટલોમાં દેખરેખ વધારવા માટે પગલાં લેવાઈ રહ્યાં છે.